Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

વિજય નેહરા બાદ રૂપાણી સરકાર આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિનો પણ ઘડો-લાડવો કરશે?

રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખી દોષનો ટોપલો જયંતિ રવિ પર ઢોળી શકાય છે

અમદાવાદ, તા.૨૬: આઈએએસ ઓફિસર વિજય નહેરાની તાજેતરમાં જ અમદાવાદ ગ્રામ્યમાં બદલી કરી દેવાઈ છે. ત્યારે ઓફિસર બેડામાં કાનાફૂસી શરૂ થઈ ગઈ છે. આવામાં વધુ એક ઓફિસરની બદલી થવાના ભણકારા વાગી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, અમદાવાદના મહાનગર પાલિકાના કમિશનર તરીકે વિજય નેહરાનો ઘડો-લાડવો કર્યા પછી આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિનો પણ ઘડો-લાડવો સરકાર કરી શકે છે. તેઓને પણ વિજય નહેરાની જેમ અન્ય સ્થળે બદલી અપાય તેવુ ચર્ચાઈ રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની કામગીરીથી પણ રાજય સરકાર નારાજ હોવાનું જાણવા મળ્યું છે. રાજયમાં અને ખાસ કરીને અમદાવાદમાં વધી રહેલા કોરોના વાયરસના કેસોને ધ્યાનમાં રાખી દોષનો ટોપલો જયંતિ રવિ પર ઢોળી શકાય છે તેવુ લાગી રહ્યું છે. આરોગ્ય વિભાગમાંથી અગ્ર સચિવ જયંતિ રવિને સાઇડલાઇન કરવા માટેનો તખ્તો ગોઠવાઇ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે દિવસથી કોરોના વાયરસ પર આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિનું મીડિયા નિવેદન પણ બંધ કરવામાં આવ્યું છે. રાજય સરકારના સિનિયર મંત્રીઓ અને સિનિયર આઈએએસ અધિકારીઓ જયંતિ રવિની કામગીરીથી નારાજ છે તેવુ જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાને હાલ ગ્રામ વિકાસ કમિશનરની જવાબદારી સોંપાઈ છે.  ત્યારે આજે વિજય નેહરા સીએમ હાઉસ પહોંચ્યા હતા. ભાજપમાં ટ્વિટર કેમ્પેઇન વચ્ચે વિજય નેહરાને CM હાઉસ બોલાવાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વિજય નેહરા વચ્ચે બેઠક થઈ હતી.આ બેઠકમાં અમદાવાદ શહેર બાદ ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તેને નાથવા માટે શું કરી શકાય તે વિશે ચર્ચા કરાઈ હતી.

(3:24 pm IST)