Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

અમદાવાદનું માધુપુરા માર્કેટ, ચોખા બજાર અને કઠોળ બજાર પણ કાલથી ધમધમશે

માલનો સપ્લાય અટકી પડયો હોવાથી લેવાયો નિર્ણય

અમદાવાદ: અમદાવાદનું માધુપુરા માર્કેટ, ચોખા બજાર અને કઠોળ બજાર આવતીકાલથી ચાલુ કરી દેવાની છૂટ આપવામાં આવી છે. આ ત્રણેય બજાર આવતીકાલથી ધમધમતા થઈ જશે. કરિયાણોના છૂટક વેપારીઓ પાસે માલનો જથ્થો ન હોવાથી અને હોલસેલરો અને સેમિહોલસેલરો પાસેથી માલનો સપ્લાય અટકી પડયો હોવાથી આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમ્યુકોના નાયબ કમિશનર વિપુલ મહેતાએ જણાવ્યું હતું કે નવા અને જૂના માધુપુરાની તમામ દુકાનો, કાળુપુર ગ્રેઈન માર્કેટ એટલે કે ચોખા બજાર અને કઠોળ બજાર ચાલુ કરી દેવાની આજે છૂટ આપવામાં આવી છે. અમ્યુકો કમિશનર મુકેશ કુમારે જણાવ્યું હતું કે માધુપુરાના બંને બજાર આમ તો કન્ટેઈનમેન્ટ એરિયાથી થોડા દૂર હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી દરવાજાની સામેના વિસ્તારમાં આવેલા બજારને છૂટ આપવામાં આવી છે.

પરિણામે છૂટક અનાજ કરિયાણા અને કઠોળના વેપારીઓ દ્વારા ગ્રાહકો પાસેથી બેફામ પૈસા લેવા પર પણ બ્રેક લાગી જવાની શક્યતા રહેલી છે. ચોખા બજારને પણ છૂટ મળતા તેલનું બજાર ચાલુ થશે કે કેમ તે અંગે હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

જોકે કઠોળ બજારને ખોલવાની છૂટ આપી દેવામાં આવી છે. પરિણામે છેલ્લા બે મહિનાથી લગભગ બંધ પડી ગયેલા આ ત્રણેય બજાર આવતીકાલથી ધમધમી ઊઠશે.

આ બજારના એસોસિયેશને તેમના એકમો ચાલુ કરવા દેવાની છૂટ આપવાની લેખિત રજૂઆત પણ પખવાડિયા પૂર્વે કરી હતી. આ રજૂઆતને ધ્યાનમાં લઈને આ મંજૂરી આપવામાં આવી છે. જોકે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક પહેરવા અંગેની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવાની શરતે જ આ છૂટ આપવામાં આવી છે.

(2:14 pm IST)