Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સીસીટીવીમાં કેદ ન થઇ જવાય તે માટે તબીબ માફક પીપીઇ કીટ પહેરી ચોરી કરતા

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં મૃતદેહો પરથી દાગીના ચોરતા બે શખ્સોની ડીસીપી નિરજ બડગુજરની પૂછપરછમાં ધડાકો : દાગીનાઓ કોને વેચ્યા? મુદામાલ કબ્જે કરવા કોલ્સ ડીટેઇલ્સની ચકાસણીઃ ભારે ધમધમાટ

મૃતદેહો પરથી દાગીના ચોરવાના આરોપીઓ અમીત શર્મા અને રાજુ પટેલ

રાજકોટ, તા., ૨૬: કોરોના જેવી મહામારી સમયે એકબીજાને મદદરૂપ થવા માટે ઠેર-ઠેર સેવાકીય કાર્યો ધમધમી રહયા છે તેવા સમયે કોરોના વાયરસની ઝપટે ચઢેલા લોકોના મૃત્યુ બાદ તેઓના દાગીના તથા અન્ય કિંમતી વસ્તુઓ ચોરાઇ જવાના રાજયભરમાં ચકચારી બનેલ ઘટનામાં આરોપીઓ પીપીઇ કીટ પહેરી ચોરીઓ કરતા જેથી તેઓ સીસીટીવીમાં ઝડપાઇ ન જાય તે અકિલા સાથેની વાતચીતમાં અમદાવાદના ડેપ્યુટી પોલીસ કમિશ્નર નિરજ બડગુજરે જણાવ્યું હતું.

ડીસીપી નિરજ બડગુજરે વિશેષમાં એવું પણ જણાવેલ કે આરોપીઓએ અમદાવાદની અસારવા વિસ્તારની સિવિલ હોસ્પિટલમાંથી અન્ય કિંમતી વસ્તુઓ ચોરી કયાં-કયાં નિકાલ કર્યો છે? તે બાબતે આરોપીઓની કોલ્સ ડીટેઇલ્સ ચકાસાઇ રહી છે. બોડીઓ દાગીના ચોરતા શખ્સો પૈકી અમીત શર્મા સિવિલ હોસ્પિટલનો ભુતપુર્વ કર્મચારી છે.

અત્રે યાદ રહે કે સિવિલ હોસ્પિટલમાંથી બોડીઓ ઉપરથી દાગીના ચોરવાના ચકચારી મામલામાં પોલીસે અમીત શર્મા અને રાજુ પટેલની ધરપકડ કરી છે. તેઓ પાસેથી જુના ઓળખપત્ર પણ કબ્જે કરવામાં આવ્યા છે. ગત ૧૧ મેના રોજ કોંગ્રેસના અમરાઇવાડી વિસ્તારના કોર્પોરેટર જગદીશભાઇ રાઠોડ દ્વારા સિવિલ હોસ્પિટલના સુપ્રીન્ટેન્ડેન્ડને પત્ર પાઠવી દાગીનાઓની ચોરીઓ થઇ રહયાની ફરીયાદ કરી હતી.

 પોલીસે બાદ રજીસ્ટરો ચેક કરતા રાજુ પટેલ ગત ૮ મેથી ફરજ પર ન હતો. કેટલીક પૂછપરછને આધારે પોલીસની શંકા વધુ મજબુત બન્યાનું શાહીબાગ પોલીસ મથકના પીઆઇ એ.કે.પટેલે જણાવ્યું હતું. દાગીઓનો મુદામાલ જપ્ત કરવા માટે વિશેષ ટીમોને કામગીરી સુપ્રત થયાનું ડીસીપી નિરજ બડગુજરે અકિલા સાથેની વાતચીતના અંતે જણાવ્યું હતું.

(12:03 pm IST)