Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

૧૭ માળ સુધી રેસ્કયુ કરી શકે તેવી ટર્ન ટેબલ લેડર મંગાવાઇ

સુરત અગ્નિકાંડ બાદ જર્મનીથી લેડર મંગાવાઈ :આગ અને કોઇ રીતે ફસાઇ જવાની ઘટનાઓમાં એકસાથે ૧૦૦ માણસોને બચાવી શકાશે : અંતે ટીટીએલ પહોંચી

અમદાવાદ,તા. ૨૬  : તક્ષશિલા  આર્કેડની આગમાં ૨૩ વિદ્યાર્થીઓ ભડથું થઇ ગયા બાદ હવે સુરત ફાયરવિભાગમાં અદ્યતન ટર્ન ટેબલ લેડર સાધન વસાવવામાં આવ્યું છે. ઘોડા નાસી છૂટયા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સુરત ફાયર વિભાગ અને સુરત મનપા માટે હાલ તો સર્જાયો છે. જો કે, હવે પછી આગ કે અકસ્માતની ઘટનામાં આ અદ્યતન ટીટીએલ સાધન ઉપયોગી અને આશીર્વાદસમાન પુરવાર થશે તેવી કંઇક આશા જન્મી છે. છેક ૧૭ માળ સુધી આગ બુઝાવવવાની અને રેસ્કયુ કરવાની ક્ષમતા ધરાવતી આ ટર્ન ટેબલ લેડર રૂ.૯ કરોડની કિંમતનું છે અને તે જર્મનીથી મંગાવવામાં આવ્યું છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, આ ટર્ન ટેબલ લેડરનો ઓર્ડર છ મહિનાથી વધુ સમયથી આપવામાં આવ્યો હતો પરંતુ તે સુરતની ગોઝારી દુર્ઘટના સર્જાઇ ગયા બાદ અહીં આવ્યું. જો ત્રણ દિવસ પહેલા આવી ગયુ હોત તો, કદાચ ૨૩ વિદ્યાર્થીઓના જીવ બચાવી શકાયા હો. આ અદ્યતન ટર્ન ટેબલ લેડર મશીનની ક્ષમતા એવી છે કે આગ કે ફસાઇ જવાની ઘટનામાં એક સાથે ૧૦૦ માણસોને સલામત નીચે ઉતારી શકાશે અને તેઓને રેસ્કયુ કરી શકાશે. ૫૫ મીટર ઉંચાઇ ધરાવતી આ ટર્ન ટેબલ લેડર છેક ૧૭ માળની ઉંચાઇ સુધી રેસ્કયુ ઓપરેશન હાથ ધરી શકશે. આ અદ્યતન મશીન ખાસ જર્મનીથી સુરત ફાયરવિભાગ માટે મંગાવવામાં આવ્યું છે.  આ અંગે સુરત ફાયરવિભાગના ફાયર ઓફિસર ઇશ્વરભાઇ પટેલે જણાવ્યંુ હતું કે, લગભગ ૬ મહિના પહેલા ફાયર વિભાગે જર્મનીથી ટર્ન ટેબલ લેડરનો ઓર્ડર આપ્યો હતો. જૂન મહિનામાં આ લેટેસ્ટ મશીન આવવાનું હતું પણ સુરતમાં શુક્રવારે તક્ષશિલા આર્કેડમાં આગની ઘટના બની અને ૨૦ જેટલા બાળકોના મોત થવાને કારણે મશીન વહેલું મંગાવી લેવાયું છે કે જેથી ભવિષ્યમાં આ પ્રકારની કોઇ ગોઝારી દુર્ઘટના ના બને અને લોકોને સમયસર બચાવી શકાય. તેમણે ઉમેર્યું કે, આ સીડી ૩ ફોલ્ડમાં હોય છે જે ૫૫ મીટર એટલે કે ૧૭ માળ સુધી જઇ શકે છે. જો આગ કે કોઇ ફસાઇ જવાની ઘટના બને તો ૧૭ માળ સુધી રેસ્કયુની કામગીરી શઇ શકે અને ૧૦૦ માણસોને લાઇન ટુ લાઇન ઉતારી શકાશે એ બહુ મહત્વની વાત છે.  તક્ષશિલા આર્કેડની આગની ઘટના લોકોમાં જોરદાર આક્રોશ ફાટી નીકળ્યો અને સુરત ફાયર વિભાગ સામે ફિટકાર વરસી રહ્યો હતો ત્યારે લોકોના જનાક્રોશને ધ્યાનમાં લઇ સુરત મનપા સત્તાધીશોએ તાબડતોબ આ આધુનિક મશીન જર્મનીથી મંગાવી લીધું.

(9:44 pm IST)