Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

સુરત: કોમ્‍પ્‍લેક્ષમાં લાગેલ આગ પ્રકરણમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પણ મુશ્કેલી નડી શકે : કદાચ મંત્રીપદ પણ છીનવાઇ જાય

સુરત : રૂપાણી સરકારમાં શિક્ષણમંત્રી પદને બદનામ કરી રહેલ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સામે છેલ્લા લાંબા સમયથી વાલીઓ અને વિદ્યાર્થીમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.એમાંયે સુરતના અગ્નિકાંડની ઘટના બાદ માત્ર SMC,ફાયર કે DGVCL વિભાગ જ નહીં પણ શિક્ષણમંત્રીની જવાબદારી સામે પણ સવાલો ઉઠ્યા છે,ત્યારે

નૈતિકતા દાખવીને ચુડાસમા એ મંત્રીપદ છોડી દેવું જોઈએ તેવી લોક માગણી ઉઠી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સુરતના અગ્નિકાંડમાં હોમાઈ ગયેલાં 23 ભૂલકાંઓના પરિવાર જનોને આશ્વાસન આપવાને બદલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ડાયરા ની મોજ માણવા ગયા હતાં.એટલું જ નહીં શિક્ષણ ફીથી માંડીને ટ્યુશન ક્લાસીસ સુધીની બેદરકારીઓની અનેક ઘટનાઓને કારણે ચુડાસમા ભીંસમાં મુકાઈ ગયા છે. માત્ર એટલું જ નહીં, મુખ્યમંત્રી રૂપાણી સુરત ગયા પણ શિક્ષણમંત્રી એ સાથે જવાનું સૌજન્ય પણ દાખવ્યું નહીં.

વળી, જ્યારે મીડિયાએ આ ઘટના અંગે શિક્ષણમંત્રીને પૂછ્યું તો સમગ્ર દોષનો ટોપલો ફાયર વિભાગ અને સ્થાનિક તંત્ર પર ઢોળી દીધો હતો.નોંધનીય છે કે ચુડાસમા ગુજરાતના શિક્ષણમંત્રીપદે બિરાજમાન થયા ત્યારથી વાલી-વિદ્યાર્થી અને સામાન્ય જનતા તોબા પોકારી ગઈ છે. શિક્ષણ ફીનો કાયદો હોય કે શાળા સંચાલકો સામે પગલાં ભરવાના હોય કે પછી ટ્યુશન ક્લાસીસોમાં લાગતી આગ અંગે પગલા ભરવાના હોય તમામ મામલે ચુડાસમા નિષ્ફળ ગયા હોવાનું ફલિત થઈ રહ્યું છે.

અગાઉ નવેમ્બર 2018માં સુરતના વેસુમાં આવેલા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં આગની ઘટના બની હતી. તે સમયે પણ શિક્ષણમંત્રીએ સમય સુચકતા વાપરીને રાજ્યના તમામ ખાનગી ટ્યુશન ક્લાસીસની ફાયર સેફ્ટી અને વિદ્યાર્થીની સુરક્ષા અંગે પગલા લેવાને બદલે તપાસ કરવાની ખાતરી આપી બેસી રહ્યા હતાં. છેલ્લા છ મહિનામાં સુરત અને અમદાવાદના ટ્યુશન ક્લાસીસમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે આગની ઘટનાઓ બની હોવાછતાં શિક્ષણમંત્રી નક્કર પગલા ન લેતા ગઈકાલે સુરતમાં સમગ્ર દેશને હચમચાવતો અગ્નિકાંડ થયો હતો.

હાલ ગુજરાત હાઈકોર્ટમાં તેમના ધારાસભ્યપદ પડકારતી ઈલેક્શન પિટીશન પર સુનાવણી ચાલી રહી છે જેને લઇને સત્તા જવાના બીકે બોખલાઈ ગયેલ શિક્ષણ મંત્રી રજૂઆત કરવા ગયેલા વાલીઓને પણ મનફાવે તેવા ઉડાઉ જવાબો આપતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ તલાટી કાંડમાં પણ ભુપેન્દ્ર ચુડાસમા નું નામ ઉછળ્યું હતું પરંતુ એનકેન પ્રકારે તેને દાબી દેવા માટે પ્રયાસ થયો હતો. આમ અનેક રીતે ચર્ચાસ્પદ રહેલ ચુડાસમાએ હવે નૈતિકતાના ધોરણે રાજીનામું આપી દેવું જોઈએ એવો લોકોનો મત પ્રવર્તી રહ્યો છે.

(1:53 pm IST)