Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

વૈષ્ણોદેવી સર્કલ નજીક એક કરોડથી વધુનો જથ્થો કબજે

કાશ્મીરથી લવાયેલો ચરસનો જથ્થો જપ્ત કરાયો : ચરસના જથ્થાની સાથે બેની ધરપકડ : કાશ્મીરથી આવેલી ટ્રકને આંતરી ચરસનો જથ્થો ઝડપી પાડયો : ઉંડી તપાસ

અમદાવાદ,તા. ૨૬ : એનસીબી(નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરો) દ્વારા શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસેથી ૧૦ કિલો ચરસના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી. બંને આરોપીઓ પાસેથી પકડાયેલ ચરસના જથ્થાની કિંમત એક કરોડ રૂપિયાથી વધુની થવા જાય છે, તેથી એનસીબીના અધિકારીઓ પણ ચરસનો આટલો મોટો જથ્થો જોઇ ચોંકી ઉઠયા હતા. એનસીબીએ બંને આરોપીઓ સામે એનડીપીએસ એકટ હેઠળ જરૂરી ગુનો નોંધી સમગ્ર કેસમાં વધુ તપાસ હાથ ધરી છે. એનસીબીના અધિકારીઓએ અગાઉથી મળેલી ચોક્કસ બાતમીના આધારે, શહેરના વૈષ્ણોદેવી સર્કલ પાસેથી આજે જેકે-૧૩ ડી-૫૪૨૨ નંબરની ટ્રકને આંતરી તેની જડતી લીધી હતી. ટ્રકમાંથી એનસીબીના અધિકારીઓએ એક કરોડ રૂપિયાથી વધુની કિંમતનો ચરસનો મોટો જથ્થો ઝડપી પાડયો હતો. એનસીબીએ આરોપી  મુશ્તાક બટ અને સોહૈલ અહમદ ગની નામના આ બન્ને  આરોપીઓને ઝડપી લીધા હતા. પ્રાથમિક પૂછપરછમાં માહિતી જાણવા મળી હતી કે,  બંને શખ્સો ચરસનો આ જથ્થો કાશ્મીરથી લઇને આવ્યા હતા અને ગુજરાતમાં ચોક્કસ સ્થળોએ સપ્લાય કરવાના હતા. પકડાયેલા બંને શખ્સો જમ્મુ-કાશ્મીરના શોપીયાંના રહેવાસી છે. તેઓને ડિલીવરી કરવા માટે રૂ.૫૦ હજારની માતબર રકમ ચૂકવાઇ હતી. એનસીબીના અધિકારીઓએ આ સમગ્ર પ્રકરણમાં ચરસનો આટલો મોટો જથ્થો કોના કહેવાથી ગુજરાતમાં સપ્લાય કરાયો હતો, આ ચરસ કોને કોને ડિલીવરી કરવાનું હતુ અને ચરસની હેરાફેરીના સમગ્ર પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. આરોપી મુશ્તાક બટ્ આ પહેલા પણ ચરસની ડિલવરી કરવા માટે ગુજરાત આવી ચૂક્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હોઇ એનસીબીના અધિકારીઓએ તે દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, શહેરના વૈષ્ણોદેવી સર્કલ વિસ્તારમાં ચરસનો આટલો મોટો જથ્થો મળતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઇ હતી.

(8:35 pm IST)