Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કૌન બનેગા કરોડપતિમાં ૨પ લાખ રૂપિયા જીતનાર સુરતના તબીબના ઘરમાં તસ્કરોનું ઓપરેશનઃ અડધા કરોડની ચોરી

સુરતઃ કૌન બનેગા કરોડપતિ ગેમ શોમાં ૨પ લાખનું ઇનામ જીતનાર સુરતના તબીબના ઘરમાં તસ્‍કરો ત્રાટક્યા હતાં અને રૂપિયા પ૦ લાખની ચોરી કરીને નાસી છૂટતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

નવયુગ કોલેજ સામેના વિસ્તારમાં જીવન વિહાર સોસાયટી છે. આ સોસાયટીમાં ૨૧ નંબરના બંગલોમાં મનોજ મોહનલાલ શર્મા તેમના પરિવાર સાથે રહે છે. ઝીંગા ઉછેર ક્ષેત્રે તબીબ તરીકે કામ કરતાં શર્માના બંગલોને તસ્કરોએ ટાર્ગેટ કર્યો હતો.શર્મા પરિવાર ગત ૧૪મી તારીખે ઉનાળું વેકેશન નિમિત્તે ફ્રાન્સ ગયું હતું. દસ દિવસ ફ્રાન્સનો પ્રવાસ પુરો કરી તેઓ શુક્રવારે બપોરે પરત ફર્યા હતાં. દરવાજો ખોલી અંદર પ્રવેશતાં જ શર્મા પરિવારની આંખો પહોંળી થઇ ગઇ હતી. બંગલોની અંદર સમાન વેરણ છેરણ પડયો હતો. શર્માએ બધા રૃમ ચેક કરવા માંડયા હતાં, જેમાં પોતાના બેડરૃમ તથા બાળકોના રૃમના કબાટો તોડી સામાન ફેંદાયેલો દેખાયો હતો. મામલો ચોરીનો જણાએ શર્માએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઇન્ચાર્જ ઇન્સપેક્ટર પુવાર સ્ટાફ સાથે જીવન વિહાર સોસાયટી ધસી ગયા અને તપાસ આરંભી હતી.

બંગલોમાં કરાયેલી તપાસમાં તસ્કરો રસોડા તરફની બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસ્યા હોવાનું જણાય આવ્યું હતું. નાનકડી ગલી વાટે તેઓ બંગલોના કંમ્પાઉન્ડ સુધી પહોંચ્યા હતાં. મનોજ શર્માએ ઘરના કબાટ અને તિજોરી ચેક કરી પોલીસને જણાવ્યું હતું કે તસ્કરો રોકડા પાંચ લાખ રૃપિયા, ૧૨,૦૦૦ યુરો, પચાસથી પંચાવન તોલા સોનાના દાગીના, મોબાઇલ ફોન, લેપટોપ વિગેરે ચોરી ગયા હતાં. ચોરી જવાયેલી મતાની કિંમત પચાસ લાખથી વધું થતી હતી. આટલી મોટી ઘરફોડ ચોરીનો બનાવ બનતાં ઉચ્ચ અધિકારીઓને જાણ કરાઇ અને તેઓ પણ દોડતાં થઇ ગયા હતાં. પોલીસે સોસાયટીની બહાર તથા રોડ ઉપર લગાવાયેલા સીસી કેમેરા ચેક કર્યા હતાં. જેમાં મોટર સાયક ઉપર આવેલા ત્રણ શખ્સોની શંકાસ્પદ મૂવમેન્ટ જણાય આવી હતી.અઆ ત્રણ પૈકી બે જણા બંગલોમાં ઘૂસી હાથફેરો કરી આવ્યાનો અંદાજ પોલીસ લગાવી રહી છે.

રાંદેર રોડ ઉપર ડોક્ટર શર્માના બંગલોમાં જે મોડસ ઓપરેન્ડીથી ચોરી થઇ છે એ જુની અને જાણીતી છે. છેલ્લા દોઢ બે મહિનામાં આ ઓપરેન્ડીથી ચોરીના સૌથી વધું બનાવ ખટોદરા પોલીસ મથકના ચોપડે નોંધાયા છે. ગ્રીલ તોડી ઘરમાં ઘૂસી ચોરી કરતી ત્રણથી ચાર ટોળકી શહેરમાં એક્ટિવ છે. આવી એક ટોળકીનો એક સાગરિતને લોકોએ પકડી પોલીસના હવાલે પણ કર્યો હતો. આ તસ્કરે પોલીસને તેની ગેંગ અને અન્ય ગિરોહ અંગે માહિતી પણ આપી હતી. જો કે આમાંથી કોઇને પોલીસ પકડી ન શકતાં ચોરીનો સીલસીલો યથાવત રહ્યો છે.

(6:37 pm IST)