Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

બોરસદના ઉમલાવ ગામમાં વૃદ્રાએ પોતાના પૌત્રને વીજ કરંટથી બચાવવા જતા જીવ ગુમાવ્યો

બોરસદઃ ઉમલાવ ગામના રામપુરામાં રહેતા સોમાભાઈ દેવજીભાઈ પરમાર પોતાના પરિવાર સાથે રહે છે અને ખેતીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓએ આપેલ ફરિયાદમાં જણાવ્યા અનુસાર સોમાભાઈના ઘરની બાજુમાં સારોલ ગામના વજેસિંહ ફુલસિંગ પરમારનાઓનું ખેતર આવેલ છે. જેમાં તેઓ દ્વારા ગીલોડીની વાડી કરવામાં આવેલ છે અને વાડીના ફરતે લાકડાના થાંભલા રોપી તેના પર ફરતે તારની વાડ કરેલ જે તારની વાડને ગત તા. ૧૦-૦૫-૨૦૧૮ના રોજ પોણા સાતેક વાગ્યાના સુમારે સોમાભાઈનો સૌથી નાનો પુત્ર વીરેનકુમાર ઉ.વ. ૫ રમતા રમતા વાડી તરફ ગયો હતો અને વાડીના તારને અડતાં તેને ડાબા હાથમાં કરંટ લાગ્યો હતો. જેને લઈ તેણે બૂમાબૂમ કરી હતી ત્યારે નજીકમાં કામ કરતા સોમાભાઈના માતા ગંગાબેન પૌત્રનો અવાજ સાંભળી વાડી તરફ દોડી ગયા હતા અને ત્યાં વીરેનને હાથ વાડી સાથે ચોંટેલો જોઈ તાત્કાલ તેઓએ વીરેનને તારની વાડીથી છોડાવવા પ્રયત્ન કર્યો હતો એ દરમ્યાન વીરેનનો હાથ તારની વાડીથી છૂટી ગયો હતો પરંતુ તે દરમ્યાન ગંગાબાનો હાથ તારની વાડ સાથે અડી ગયો હતો અને તેઓ ચોંટી ગયા હતા અને તેઓને કરંટ લાગ્યો હતો. 

દરમ્યાન આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા ગંગાબાને બોરસદ ખાતે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ વધુ કરંટ લાગ્યો હોઈ તેઓનું મોત નીપજ્યું હતું. આ બાબતે સોમાભાઈ પરમારે ભાદરણ પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ઝટકા મશીનના વીજ પ્રવાહથી મનુષ્યનું પણ મોત નીપજી શકે છે તેવું જાણવા હોવા છતાં કોઈપણ પ્રકારનું સૂચના બોર્ડ કે અન્ય તકેદારી રાખેલ ન હોઈ અને ગેરકાયદેસર રીતે પોતાના મકાનના બોર્ડમાંથી વીજ વાયરથી પોતાના ખેતરમાં કરેલ વાડીની ફરતે ગેરકાયદેસર રીતે વીજ કરંટ આપી એક વ્યક્તિનું મોત નિપજાવવા બદલ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપી ખેડૂત દ્વારા પોતાના ઘરમાંથી ગેરકાયદેસર રીતે વીજ લાઈનમાંથી કરંટનો છેડો પોતાના ખેતરમાં રોપેલ ગીલોડીની વાડને ફરતે તાર બાંધી વીજ પ્રવાહ આપવામાં આવેલ હતો. જે કરંટ ભૂંડ અને નીલગાય જેવા પ્રાણીઓ પાકનો બગાડ કરતા હોઈ પાકને બચાવવા માટે ઘરેલું ઉપાય કરેલ હતો પરંતુ આરોપી ખેડૂતનો ઉપાય પાડોશીનો જીવ લઈ ગયો હતો. આ બાબતે વીજ વિભાગ દ્વારા પણ તપાસ કરી ગેરકાયદેસર રીતે આરોપી ખેડૂત દ્વારા પોતાના મકાનના વીજ બોર્ડમાંથી કનેક્શન લેવામાં આવ્યું હોવાનો અભિપ્રાય આપ્યો હતો.

રામપુરામાં ખેતરની વાડમાં લગાવવામાં આવેલ વીજ પ્રવાહના તારને રમતા રમતા પૌત્ર અડી ગયો હતો અને તેને વીજ શોક લાગ્યો હતો જેને લઈ નજીકમાંથી દોડી આવેલા દાદીમાએ પોતાના જીવની પરવા કર્યા વગર પૌત્રને વીજ તારથી છૂટો કરાવ્યો હતો પરંતુ દાદીમાંનો હાથ વીજ તાર સાથે અડી જતા તેઓનું મોત નીપજ્યું હતું.

આ ઘટના અંગે પોલીસ તપાસ કરવા ગઈ હતી અને સાથે સ્થાનિક લોકો પણ જોડાયેલ હતા ત્યારે આરોપીઓના ખેતરમાં વાડમાં તારની સાથે વીજ વાયરો જોવા મળ્યા હતા. જે બાબતે સ્થાનિકોએ પોલીસને જણાવ્યું હતું કે, અહીંયા ઝટકા મશીનથી નહિ પરંતુ ડાયરેક્ટ વીજ મીટરથી વીજ પ્રવાહ છોડવામાં આવ્યો હતો ત્યારે અહીંયા હાજર રહેલ આરોપીના ઘરની મહિલાઓએ પોલીસની હાજરીમાં સ્થાનિકોને જણાવ્યું હતું કે, અમારા ખેતરમાં અમે ગમે તે કરીએ તમારે અમારા ખેતરમાં આવવાની જરૂર ક્યાં છે ? તેમ જણાવ્યું હતું જેને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.

(6:33 pm IST)