Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ડીસામાં સગાઈ થઇ ગયેલ દીકરીને પિતાએ એક લાખમાં બીજે પરણાવવાની વાત કરી

રાધનપુર: ડીસાની એક યુવતીની સગાઇ બે વર્ષ પહેલાં પાટણના રાધનપુરમાં વલ્લભનગરમાં રહેતા યુવક સાથે કરાઇ હતી. પરંતુ પરિવાર એક લાખ રૂપિયા લઈ આબુના કોઈ યુવક સાથે લગ્ન કરાવી દેવા માગતા હતા. પરિવારના સદસ્યોની આ વાત યુવતી કાનોકાન સાંભળી જતાં તે ડીસાથી રાધનપુર જેની સાથે સગાઇ થઇ હતી તે યુવકના ઘરે પહોંચી સાસુ-સસરા તેમજ પરિવારની સંમતીથી વિધિસર નોટરી કરાવીને લગ્ન કરી લીધી હતા. જેને લઇ દીકરીને પૈસા લઈને બીજે પરણાવી દેવાના પિતાના મનસૂબા ઉપર પાણી ફરી વળ્યું હતું.

ડીસામાં રહેતા એક પરિવારની 21 વર્ષિય દીકરીની સગાઇ આજથી બે વર્ષ પહેલાં રાધનપુરમાં વલ્લભનગરમાં રહેતા રામકુમાર (નામ બદલેલ છે) સાથે કરાઇ હતી અને 23 જૂને બંનેનાં લગ્ન થવાનાં હતાં. પરંતુ આજથી બે દિવસ પહેલાં સંબંધીએ આવીને યુવતીના પિતાને વાત કરી કે, દીકરીને આબુમાં રહેતા એક યુવક સાથે એક લાખ રૂપિયા લઈને પરણાવી દઈએ. વાત યુવતીએ સાંભળી લેતાં બીજા દિવસે સવારે ડીસાથી રાધનપુર તેના મંગેતરના ઘરે પહોંચી હતી અને વાતથી સાસરિયાંને માહિતગાર કર્યા હતા. જેથી સાસરિયાંએ હૈયાધારણ આપી યુવક અને યુવતી બંને રાજી હોઈ પહેલાં સમીના વરાણા ખાતે ખોડિયાર માતાજીના મંદિરે સાસરિયાં સાથે જઈને લગ્ન કર્યા બાદ વલ્લભનગરમાં આવી સમાજના અગ્રણીઓની હાજરીમાં ફેરા લીધા હતા અને કાયદેસર નોટરી પણ કરાવી હતી.

(5:36 pm IST)