Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

રૂપિયા અને ભોજનની બાબતે તકરારથી કંટાળીને પત્નીએ કુહાડીના ઘા ઝીકી પતિનું ગળું કાપી નાખ્યું

નવસારીના વાંસદાના મણકુણિયા ગામમાં કિસ્સો:ચાર સંતાનોની માતાએ હત્યા કરી

સુરત: નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મણકુણિયા ગામમાં રૂપિયા અને ભોજન બાબતેની તકરારથી કંટાળીને 34 વર્ષીય મહિલાએ પતિની હત્યા કરી નાખી હતી  ગુનો કબૂલ્યા બાદ મહિલાની ધરપકડ કરવામાં આવી છે

  મળતી વિગત મુજબ 35 વર્ષીય મૃતક મંગલ વાલ્વી પોતાના પરિવાર સાથે વાંસદા તાલુકાના મણકુણિયા ગામે રહેતો હતો મંગલ પાસે એક નાનું ખેતર છે, જ્યારે તેની પત્ની મીના ગુજરાન ચલાવવા માટે ખેતમજૂરી કરે છે. દંપતિને 3, 5 અને 9 વર્ષની 3 બાળકીઓ છે.પતિ-પત્ની વચ્ચે રૂપિયા અને ભોજનની બાબતે ગુરુવારે રાત્રે ઝઘડો થયો હતો. જે બાદ મંગલ ઘરની બહાર વરંડામાં ઊંઘી ગયો. જ્યારે મંગલ ગાઢ નિંદ્રામાં હતો ત્યારે મીનાએ કુહાડી ઉઠાવી અને 3 વાર તેના ગળા પર મારી તેની કરપીણ હત્યા કરી નાખી.

  પોલીસ સબ ઈન્સપેક્ટર જે.વી. ચાવડાએ જણાવ્યું કે, “હત્યા બાદ મીના તેના સસરાના ઘરે ગઈ અને મંગલ ઉઠતો ન હોવાની વાત કરી. મંગલના પિતા તેના ઘરે દોડી ગયા ત્યારે પુત્ર મૃત હાલતમાં મળી  આવ્યો. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે મીનાએ અજાણ બનવાનો પ્રયાસ કર્યો પરંતુ અંતે ભાંગી પડી. મીનાએ મંગલની હત્યા કરી હોવાનું કબૂલ્યું અને હત્યામાં વપરાયેલી કુહાડી પણ આપી.”

   ચાવડાએ વધુમાં જણાવ્યું કે, “વાલ્વી પરિવાર આર્થિક તંગીનો સામનો કરી રહ્યો હતો. દંપતિ વચ્ચે દરરોજ ભોજન અને રૂપિયા બાબતે ઝઘડા થતાં હતા. મંગલ હંમેશા તેની પત્ની પાસેથી રૂપિયાની માગ કરતો હતો. પરંતુ ખેતમજૂરીમાંથી કમાયેલા રૂપિયા મીના મંગલને નહોતી આપતી.” દંપતિની બે મોટી દીકરીઓ તેના દાદા-દાદી સાથે રહે છે જ્યારે નાની દીકરી મીના-મંગલ સાથે રહે છે. હવે તેને કોર્ટમાં રજૂ કરાશે.”

(3:11 pm IST)