Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

લગ્ન સમારોહમાં પૈસા વેડફવાને બદલે ભણતર અને રોજગાર પાછળ ઉપયોગ કરવા પાટીદારોને અપીલ

સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર લગ્ન સમારોહના બેફામ ખર્ચ રોકવા કરશે પહેલ

અમદાવાદ:લગ્નસમારોહમાં ખોટા અને મસમોટા ખર્ચા કરવાનો ટ્રેન્ડ સામે નવી રાહ ચીંધતી પહેલ પાટીદાર સમાજને કરતા સરદારધામ વિશ્વ પાટીદાર કેન્દ્ર(SVKP)ના પ્રેસિડન્ટ ગજજી સુતરિયાએ આ ટ્રેન્ડ રોકવા માટે અને લગ્ન સમારોહ પાછળ પૈસા વેડફવાના બદલે ભણતર અને રોજગાર પાછળ ઉપયોગ કરવા માટે લોકોને અપીલ કરી છે.

  ગજજી સુતરિયાએ કહ્યું કે, મારું માનવું છે કે લગ્ન સમારોહ સાદગીભર્યા હોવા જોઈએ અને લગ્ન આર્યસમાજ અથવા કોર્ટમાં જ થવા જોઈએ. આ જ રીતે વધારાની ઈવેન્ટ્સ અને બિનજરુરી રિવાજો કરવાનું ટાળવું જોઈએ જેનાથી ખર્ચો ઓછો કરી શકાય. આ પૈસાનો ઉપયોગ યુવાનોના ભણતર અને તેમને નોકરી પાછળ કરવો જોઈએ.

   SVPKએ તાજેતરમાં જ સમાજના યુવાનોના ભણતર અને રોજગાર માટે પ્રોજેક્ટ્સની શરુઆત કરી છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં સુતરિયાએ જણાવ્યું કે, 2020 સુધીમાં SVPK લગ્ન સમારોહમાં થતા બેફામ ખર્ચાને રોકવાની પહેલ શરુ કરશે. અમારા વર્તમાન પ્રોજેક્ટ્સ ઓછા થશે પછી અમે આ નવા પ્રોજેક્ટની શરુઆત કરીશું. સુતરિયાનું માનવું છે કે, બિનજરુરી ઈવેન્ટ્સનું આયોજન ન થવું જોઈએ અને યુવાનોના ભણતર પર ફોકસ કરવું જોઈએ. પૈસાનો ઉપયોગ રિસર્ચ એન્ડ સાયન્સ પાછળ કરવો જોઈએ.

(2:11 pm IST)