Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

ગંદકી ફેલાવનારાને પકડવા ખારીકટ ઉપર કેમેરા લાગશે

હાઇફ્રિકવન્સીવાળા કેમેરા આવા તત્વોને કેદ કરશેઃ ૧૫ જૂન સુધીમાં સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ થઇ જવાની શકયતા : વાહનો નંબરપ્લેટો સાથે કેદ

અમદાવાદ,તા. ૨૫: એશિયાની સૌથી મોટી ગણાતી ડસ્ટબીન મનાતી ખારીકટ કેનાલની સફાઇ માટે રાજ્ય સરકારના જળ અભિયાન હેઠળ તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ ચલાવાઇ રહી છે, જે અંતર્ગત તા.૧ મેથી આજદિન સુધીમાં ર૯,૬૪૭ મેટ્રિક ટન કચરો બહાર કઢાયો છે, જોકે કેનાલમાં કચરો ફેંકવાની પ્રવૃત્તિ આજે પણ બેફામ રીતે ચાલતી હોઇ અમયુકો તંત્ર દ્વારા ખારીકટ કેનાલના સમગ્ર રૂટમાં ચોક્કસ સ્થાનો પર ચાંપતી નજર રાખવા અને આવા ગંદકી અને કચરો ફેલાવતા તત્વોને ઝબ્બે કરવા કુલ ૧૧૮ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી ચાલી રહી છે. જે આગામી તા.૧૫મી જૂન સુધીમાં પૂર્ણ થઇ જવાની શકયતા છે. હાઇફ્રિકવન્સી ધરાવતા અને ખાસ પ્રકારના નાઇટ વિઝનને કવર કરતાં આ કેમેરા રાત દિવસ આવા તત્વો પર બાજ નજર રાખી શકશે અને રાતે-મધરાતે કેનાલમાં કચરો કે કેમિકલ ઠાલવતાં વાહનોને તેની નંબર પ્લેટ સાથે ઝડપી પાડશે. પાલડી ખાતેના નવા કંટ્રોલરૂમમાં આ તમામ સીસીટીવી કેમેરાનું મોનીટરીંગ કરાશે. ખારીકટ કેનાલનું સ્વચ્છતા અભિયાન આગામી તા.૩૧ મે સુધી ચાલશે. અત્યારે અભિયાન ચાલી રહ્યું હોઇ દરરોજ રાજ્ય સરકારના પ્રધાનો, મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના ઉચ્ચ હોદ્દેદારો, કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓ કેનાલના એક અથવા બીજા વિસ્તારનો રાઉન્ડ લઇ રહ્યા છે, જો કે આ રાઉન્ડ દરમિયાન મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદ સોલંકીના હાથે કેનાલમાં કચરો ફેંકનાર એક નાગરિક ઝડપાઇ જતાં તેમણે દબંગાઇ દાખવીને આ નાગરિકને કેનાલમાં ઉતારીને તેની  પાસેથી કચરો ઉપાડાવ્યો હતો.આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં ગઇ કાલે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં પણ આ બાબતે ઉગ્ર રજૂઆત થઇ હતી, જો કે ગઇ કાલે નરોડા વિસ્તારમાં કચરો ફેંકનાર વધુ બે વ્યકિતને કેનાલમાં ઉતારીને કચરો કઢાવાયો હોવાનું પણ સામે આવ્યું હતું. આગામી તા.૩૧ મે બાદ તંત્ર દ્વારા રૂટીન મુજબ ખારીકટ કેનાલનો રાઉન્ડ લેવાશે. બીજી તરફ આસપાસ રહેતા લોકો જ બેફામ રીતે કેનાલમાં કચરો ઠાલવી રહ્યા છે. આવા સંજોગોમાં કેનાલ વિસ્તારમાં લગાવાઇ રહેલા આ હાઇફ્રિકવન્સી સીસીટીવી કેમેરા મારફતે જ કેનાલને ફરીથી ગંદી-ગોબરી થતી અટકાવશે.

જાણકાર સૂત્રો કહે છે કેનાલમાં કચરો ઠાલવવા કોઇ સેટેલાઇટ, વેજલપુર કે પાલડી-વાસણાથી આવવાનું નથી. આજુબાજુની સોસાયટીના લોકોએ જ તેમાં આડેધડ રીતે કચરો ઠાલવીને તેને એશિયાની સૌથી મોટી ડમ્પીંગ સાઇટ બનાવી છે. આમાં સ્થાનિક લોકોનો વાંક હોઇ અન્ય જાગૃત નાગરિકોએ સ્વેચ્છાએ આગળ આવીને કેનાલને ડસ્ટબીનમાં ફેરવાતી રોકવી જોઇએ, કેમ કે તો જ સ્થાનિકોને બારેમાસ મચ્છરજન્ય રોગચાળા-અસહ્ય દુર્ગંધ વગેેરે તકલીફોથી રાહત મળશે. દરમિયાન કેનાલના નરોડા, ઠક્કરબાપાનગર વિસ્તારમાં રપ સીસીટીવી કેમેરા લાગી ચૂક્યા છે. આગામી ૧પ જૂનસુધીમાં તમામ ૧૧૮ સીસીટીવી કેમેરા લગાવવાની કામગીરી પૂર્ણ થઇ જશે તેવો આશાવાદ અમ્યુકો સત્તાધીશોએ વ્યકત કર્યો હતો.

(10:11 pm IST)