Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ગાંધીનગરમાં સરકારી કચેરીઓમાં પણ જાહેરનામાનો કડકપણે પાલન કરાવવા દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી

ગાંધીનગર:શહેર જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહયું છે ત્યારે પોલીસ દ્વારા હવે ખાનગી એકમોની સાથે સરકારી કચેરીઓમાં પણ જાહેરનામાંનું કડકપણે પાલન કરાવવા માટે મથામણ કરવામાં આવી રહી છે. ગાંધીનગર જિલ્લામાં મોટી સંખ્યામાં સરકારી કચેરીઓ આવેલી છે ત્યારે અહીં સંક્રમણ અટકાવવા માટે પોલીસે દંડાત્મક કાર્યવાહી શરૃ કરી દીધી છે. 

સમગ્ર રાજયની સાથે ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહયું છે. કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા નથી ત્યારે તંત્ર સંક્રમણને અટકાવવા માટે વિવિધ જાહેરનામાંઓનું કડકપણે પાલન કરાવવા માટે મથી રહયું છે. ખાસ કરીને માસ્ક અને સોશ્યલ ડીસ્ટેન્સીંગના જાહેરનામાંનું પાલન કરાવવાની જવાબદારી પોલીસના શીરે નાંખવામાં આવી છે ત્યારે પોલીસ દ્વારા જાહેર સ્થળો સહિત અવારનવાર વાહન ચેકીંગ કરીને જાહેરનામાંનું પાલન કરાવવા માટે મથામણ કરવામાં આવી રહી છે. ગાંધીનગરમાં સૌથી વધારે સરકારી કચેરીઓ આવેલી છે અને અહીં કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પ૦ ટકા હાજરી સાથે રોટેશન પધ્ધતિ અમલી બનાવાઈ છે. ત્યારે સરકારી કચેરીઓમાં હાજર કર્મચારીઓ દ્વારા માસ્ક નહીં પહેરવા અંગેની ફરીયાદો ઉઠી રહી છે. ગાંધીનગર પોલીસ દ્વારા સરકારી કચેરીઓમાં તપાસ કરવામાં આવી રહી છે અને માસ્ક વગર કામ કરતાં કર્મચારીઓ સામે દંડાત્મક કાર્યવાહી પણ કરાશે. જિલ્લામાં સંક્રમણ અટકાવવા માટે જાહેરનામાંનું કડકપણે પાલન કરાવવા માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરાશે.

(5:37 pm IST)