Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

આણંદની સામરખા ચોકડી નજીક પોલીસે વોચ ગોઠવી એક શખ્સને 342 ગ્રામ નશીલા પદાર્થના જથ્થા સાથે ઝડપી પાડયો

 આણંદ: એસઓજી પોલીસે ગતરોજ ગુપ્ત વોચ ગોઠવીને નેશનલ હાઈવે નં. ઉપર આવેલ સામરખા ચોકડી નજીકથી અમદાવાદના એક શખ્શને ૩૪૨ ગ્રામ માદક નશીલા પદાર્થ સાથે ઝડપી પાડયો હતો. પોલીસની તપાસમાં નશીલો પદાર્થ ચરસ હોવાનું ખુલતા ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે આણંદ શહેર પોલીસે એનડીપીએસ ધારાની કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

આણંદ એસઓજી પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી ત્યારે સુરત તરફથી એક ઈક્કો કારમાં નશીલો પદાર્થ લઈને એક શખ્શ સામરખા ચોકડી થઈ અમદાવાદ તરફ જનાર હોવાની ગુપ્ત માહિતી પોલીસને મળી હતી. મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસની ટીમે સામરખા ચોકડી નજીક ગુપ્ત વોચ ગોઠવી હતી. દરમ્યાન રાત્રિના સુમારે બાતમીદારના વર્ણન મુજબની ઈક્કો કાર આવી ચઢતા પોલીસે કોર્ડન કરીને કાર રોકી હતી. પોલીસે કારમાં આગળની સીટ સામે આવેલ ડીકીમાં તલાશી લેતાં અંદરથી કાળા કલરનો નશીલો પદાર્થ મળી આવ્યો હતો. જેથી પોલીસે એફએસએલને અંગે જાણ કરતા એફએસએલની ટીમ પણ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને નશીલો પદાર્થ ચરસ હોવાનું જણાયું હતું. જેનું વજન કરતા કુલ ૩૪૨ ગ્રામ જેટલું થયું હતું. જેની અંદાજિત કિંમત રૂા.૫૧,૩૦૦ જેટલી થવા જાય છે. પોલીસે કારચાલકના નામઠામ અંગે પુછપરછ કરતા તે વિક્રમભાઈ પ્રહ્લાદભાઈ પટેલ (રહે.વસ્ત્રાલ, અમદાવાદ, મૂળ રહે.પીલુન્દ્રા, મહેસાણા) હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે ચરસનો જથ્થો તેમજ ઈક્કો કાર મળી કુલ્લે રૂા.,૫૫,૬૧૦નો મુદ્દામાલ જપ્ત કરી આણંદ શહેર પોલીસ મથકના હવાલે કરતા શહેર પોલીસે નાર્કોટીક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(5:36 pm IST)