Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અમદાવાદમાં કોરોનાની સ્‍થિતિ ગંભીરઃ 108 એમ્‍બ્‍યુલન્‍સ માટે 24 કલાકનું વેઇટીંગઃ 5 હજારથી વધુ દર્દીઓ હોસ્‍પિટલમાં દાખલ થવા માટે લાઇનમાં

અમદાવાદ: અમદાવાદમાં કોરોના સંક્રમણની સ્થિતિ ગંભીર બની ગઇ છે. અમદાવાદમાં 5 હજારથી વધુ કોરોનાના દર્દી હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જુએ છે. 108 માટે 20થી 24 કલાકનું વેઇટિંગ ચાલી રહ્યુ છે. એમ્બ્યુલન્સના અભાવે દરરોજ કોરોનાના દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદમાં નાગરિકોને હોસ્પિટલના બેડ મળતા નથી અને  નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેવા નેતાઓેને આસાનીથી હોસ્પિટલમાં બેડ પણ મળી જાય છે અને સારવાર પણ ચાલુ થઇ જાય છે.

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સના રોજના 20 હજાર ઇમરજન્સી કોલ આવે છે. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે બેડ ખાલી ના હોવાને કારણે 5 હજારથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થવાની રાહ જોઇ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના નવા ફતવા અનુસાર 108 એમ્બ્યુલન્સ સિવાય હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં આવતા નથી. સિવિલ હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની લાંબી લાઇન હોવાથી દર્દીઓને 10થી 12 કલાક પછી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે.

એમ્બ્યુલન્સ પણ સમયસર પહોચતી નથી

કોરોનાના દર્દીઓ જ્યારે 108 ઇમરજન્સી સેવા એમ્બ્યુલન્સને ફોન કરે તો તેમાં પણ 10 કલાક જેટલુ વેઇટિંગ ચાલી રહ્યુ હોય છે. એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધીમાં તો શબવાહિની બોલાવવાનો સમય આવી જાય છે. અમદાવાદીઓને તંત્રએ રામ ભરોસે છોડી દીધા હોય તેમ લાગી રહ્યુ છે.

AMCને હવે જ્ઞાન થયુ

અમદાવાદ મહાનગરપાલિકાને કોરોના સંક્રમણ વધતા હવે જ્ઞાન લાદ્યુ હોય તેમ લાગી રહ્યુ છે. અમદાવાદના અનેક વિસ્તારમાં વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાળી રહ્યા છે અને કોરોના સંક્રમણને અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ પાનના ગલ્લા, ચાની કિટલીઓ અને હેર સલૂનને બંધ કરાવી રહી છે.

અમદાવાદમાં ઓક્સિજનની બુમરાણ

અમદાવાદમાં હાલ કોરોનાના દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત વધુ ઉભી થઇ છે. ઓક્સિજનની કમીને કારણે અનેક દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. હોસ્પિટલોમાં પણ ઓક્સિજન ખુટી પડતા દર્દીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેટલીક જગ્યાએ તો દર્દીઓના સગાઓએ જાતે જ ઓક્સિજનની સુવિધા ઉભી કરી હોસ્પિટલને આપવી પડે છે.

(5:06 pm IST)