Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

1 મેથી 18 વર્ષથી વધુની વયનાને ફ્રીમાં વેક્સિનેશન થશે.: રૂપાણી સરકારનો નિર્ણય

રસીકરણ અભિયાન માટે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા કરી: રસી લેવા માટે ઓનલાઇન કરાવી શકશે રજિસ્ટ્રેશન

ગાંધીનગર : આગામી 1 મે 2021થી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિનની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે ગુજરાત સરકારે વેક્સિનનો ઑર્ડર આપી દીધો છે. તો ગુજરાતમાં વેક્સિન ફ્રીમાં આપવામાં આવશે. 1 મેથી 18 વર્ષથી વધુની વયનાને રાજ્ય સરકાર દ્વારા લોકોનું ફ્રીમાં વેક્સિનેશન થશે.

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે સરકારે કવાયત હાથ ધરી છે. રસીકરણ અભિયાન માટે સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા કરી છે. મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લીધો હતો. ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ, મુખ્ય સચિવ, CMના અધિક મુખ્ય સચિવ હાજર હતા. આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતી રવિ, અશ્વિનીકુમાર પણ હાજર રહ્યા હતા.

ગુજરાતમાં 6 હજાર સરકારી અને ખાનગી રસીકરણ કેન્દ્રો શરૂ થશે. રાજ્યમાં અત્યાર સુધી 1 કરોડ 13 લાખ વેક્સિનના ડોઝ અપાયા. રસીકરણ માટે લોકોએ ઓન લાઇન રજીસ્ટ્રેશન કરાવવાનુ રહેશે. કોવિન પોર્ટલ પર તારીખ 28 એપ્રિલથી રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થશે.

 

18 વર્ષથી વધુ ઉંમરના લોકો 1 મેથી કોરોના રસી મેળવી શકશે. જે લોકો રસી લેવા માંગતા હોય તેઓ વેબસાઈટ cowin.gov.in પોર્ટલ પર નોંધણી કરાવી શકશે.

(9:04 pm IST)