Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

છાપી - ધારેવાડા પાસે જીપડાલુ ઉભું રખાવી પાંચ બુકાનીધારીઓ દ્વારા છ લાખની લૂંટ ; સનસનાટી

ખેડૂત તેમજ ચાલકને છરો બતાવી.૬ લાખ લૂંટી ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર

વડગામ તાલુકાના છાપી નજીક આવેલા ધારેવાડા હાઇવે ઉપર ઊંઝા તરફથી આવતા એક જીપડાલાને પાંચ બુકાનીધારી લૂંટારૂઓએ આંતરી ઉભું રખાવી જીપડાલામાં બેઠેલ ખેડૂત તેમજ ચાલકને છરો બતાવી તેમની પાસે રહેલ રૂ.૬ લાખ લૂંટી ફરાર થઈ જતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી. જોકે ઘટનાની જાણ થતાં છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.

‎પ્રાપ્ત વિગતો મુજબ થરાદ તાલુકાના રાંમપુરા ગામના ખેડૂત નવીનભાઈ નાગજીભાઈ ચૌધરી બે જીપડાલામાં પોતાનું તેમજ અન્ય ખેડૂત નું ૮૦ બોરી જીરું ભરી ઊંઝા માર્કેટમાં આવેલ પિનલકુમાર મણિલાલ પટેલની પેઢીમાં વેચવા ગયા હતા જ્યાં જીરું વેચી ઉચ્ચક રૂ.૬ લાખ લઈ શુક્રવાર સવારે સરતાનજી ઠાકરજી ઠાકોરના જીપડાલામાં પરત આવી રહ્યા હતા તે દરમિયાન છાપી નજીક ધારેવાડા હાઇવે ઉપર પાંચ બુકાનીધારી રોડ વચ્ચે આવી જીપડાલાને આંતરી ઉભુ રખાવી જીપને ઘેરી વળી હાથમાં રહેલ છરો બતાવી બન્નેને મારમારી નવીનભાઈ ચૌધરીનું ખીસુ ફાડી ખિસ્સા રહેલ રોકડ રૂપિયા ૨ લાખ તેમજ ડ્રાઈવરની સીટ પાછળ પડેલ ચાર લાખ કુલ રૂ.૬ લાખ અને ત્રણ મોબાઈલ લૂંટી ફરાર થઇ ગયા હતા.

 આ બાબતે લૂંટનો ભોગ બનેલ ખેડૂતે છાપી પોલીસ મથકે પાંચ બુકાનીધારી લૂંટારું વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ઇન્ચાર્જ પીએસઆઇ મોહનીયા ઘટના સ્થળે પહોંચી લૂંટનું પગેરું મેળવવા ચક્રોગતિમાન કર્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી છાપી હાઇવે વિસ્તારમાં લૂંટ તેમજ ચોરીના બનાવોમાં વધારો થવા સાથે અસામાજિક તત્વોનો પણ રંજાડ વધવા પામ્યો છે.

(11:19 pm IST)