Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

ગુજરાતથી ભાજપના અગ્રણી વિવિધ રાજ્યોમાં પ્રચાર કરશે

જુદા જુદા રાજ્યોમાં આક્રમક પ્રચાર કરવા ઉત્સુકઃ ફરી એકવાર મોદી સરકાર બને તે માટે ભાજપના અગ્રણી અને કાર્યકરો અલગ અલગ રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરશે

અમદાવાદ,તા.૨૬: સમગ્ર દેશમાં લોકશાહીનું પર્વ ઉજવાઇ રહ્યું છે ત્યારે તારીખ ૨૩ એપ્રિલ, ૨૦૧૯ના રોજ લોકસભા ચૂંટણીના સાત ચરણો પૈકી ત્રીજા ચરણમાં ગુજરાતની લોકસભા ચૂંટણીનું કાર્ય શાંતિપૂર્વ માહોલમાં સંપન્ન થયુ છે.         ગુજરાતની જનતાએ અસત્ય અને જુઠ્ઠાણાઓના અપપ્રચાર સામે સત્યને સમર્થન આપી પોતાની આગવી સૂઝનો પરિચય આપી શાંતિપૂર્ણ રીતે ભાજપા તરફી ભારે મતદાન કર્યુ છે. લોકસભા ચૂંટણીના ચોથા ચરણ દરમ્યાન ૬ઠ્ઠી મે, ૨૦૧૯ના રોજ રાજસ્થાન ખાતે ૧૩ બેઠક, ઝારખંડ ખાતે ૩ બેઠક, મધ્યપ્રદેશ ખાતે ૬ બેઠક, મહારાષ્ટ્ર ખાતે ૧૭ બેઠક, ઓડિસા ખાતે ૬ બેઠક, ઉત્તરપ્રદેશ ખાતે ૧૩ બેઠક, બિહાર ખાતે ૫ બેઠક અને જમ્મુ-કશ્મીર ખાતે ૧ બેઠક ઉપર લોકસભા ચૂંટણીઓ યોજાવા જઇ રહી છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ''એક ભારત શ્રેષ્ઠ ભારત'' ના મંત્ર સાથે ભારતને વિશ્વમાં ફરી "વિશ્વ ગુરૂ" તરીકે સ્થાપિત કરવા, ''ભવ્ય ભારત'' ના સંકલ્પને પરિપૂર્ણ કરવા અને "સબકા સાથ સબકા વિકાસ" નો મંત્ર સાર્થક કરવા પૂર્ણ બહુમત સાથે ફરી એકવાર મોદી સરકાર બને તે માટે ગુજરાતમાંથી ભાજપાના પ્રદેશ અગ્રણીઓ તથા કાર્યકર્તાઓ આગામી દિવસોમાં વિવિધ રાજ્યોમાં લોકસભા ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસાર અર્થે જશે. આગામી દિવસોમાં ગુજરાતના દક્ષિણ ઝોનમાંથી મહારાષ્ટ્ર ખાતે, મધ્ય ઝોનમાંથી મધ્યપ્રદેશ ખાતે, ઉત્તર ઝોનમાંથી રાજસ્થાન ખાતે અને સૌરાષ્ટ્ર ઝોનમાંથી મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતે ગુજરાત ભાજપાના કાર્યકર્તાઓ પ્રચાર-પ્રસાર માટે પ્રવાસ ખેડશે તેમજ પ્રદેશ અગ્રણીઓ અને કાર્યકર્તાઓની ટીમ પશ્ચિમ બંગાળ ખાતે ભાજપાના પ્રચાર-પ્રસાર અર્થે જશે અને જે-તે રાજ્યોની જનતાને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારની વિવિધ લોકકલ્યાણકારી યોજનાઓ તથા વિકાસલક્ષી કાર્યોથી અવગત કરાવશે.

(9:41 pm IST)