Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

વિસનગર-નડિયાદ મેડિકલમાં ૩૦૦ બેઠકો મંજુર કરી દેવાઈ

બે નવી મેડિકલ કોલેજોમાં બેઠકો મંજુર : બે નવી મેડિકલ કોલેજોમાં બેઠકો મંજુર

અમદાવાદ,તા.૨૬ : નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યના તેજસ્વી વિદ્યાર્થીઓને ઘરઆંગણેજ તબીબી શિક્ષણ મળી રહે તે માટે રાજ્ય સરકારે આરોગ્યનીતિ-૨૦૧૬ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજો સ્થાપવા માટે પ્રોત્સાહક યોજના જાહેર કરી હતી તે અંતર્ગત રાજ્યમાં નવી ગ્રીનફીલ્ડ મેડીકલ કોલેજ શરૂ કરવા માટે વિદ્યાર્થી દીઠ અને MBBSની બેઠક દીઠ, પાંચ વર્ષ સુધી દર વર્ષે ૧૫ લાખની  સહાય રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજોને આપવામાં આવશે. કેન્દ્ર સરકારે આજે વિસનગર અને નડિયાદની બે નવી મેડીકલ કોલેજોમાં તબીબી શિક્ષણ માટે MBBSની ૧૫૦-૧૫૦ બેઠકો મળી કુલ ૩૦૦ બેઠકોને મંજૂરી આપી છે.

આ સાથે રાજ્યમાં કુલ ૪૪૫૦ બેઠકો ઉપલબ્ધ થશે. આ બેઠકો પર આ વર્ષ થી જ પ્રવેશ આપવામાં આવશે. જેના કારણે ૩૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને ડૉક્ટર બનવાની તક મળશે અને રાજ્યમાં ભવિષ્યમાં ડૉક્ટરોની સુવિધા પણ  ઉપલબ્ધ થશે. ગુજરાતના વિદ્યાર્થીઓના હિતમાં કેન્દ્ર સરકાર દ્વારા તબીબી શિક્ષણ ક્ષેત્રે આ બેઠકો મંજૂરી કરવા બદલી આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડાનો આભાર માન્યો છે. નાયબ મુખ્યમંત્રી પટેલે ઉમેર્યું કે, નૂતન મેડીકલ કોલેજ એન્ડ રિસર્ચ સેન્ટર વિસનગર તથા ધર્મસિંહ દેસાઇ ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડીકલ કોલેજ, નડીયાદ ખાતે આ વધારાની ૩૦૦ બેઠકો ઉપલબ્ધ થતાની સાથે જ રાજ્ય સરકારની ગ્રીનફીલ્ડ કોલેજોના નિર્માણની નીતિ અન્વયે આ બંને સ્થળોએ ૩૦૦-૩૦૦ પથારીની સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ પણ ઉપલબ્ધ થશે. જેના કારણે દર્દીઓને ઘરઆંગણે ઝડપથી સારવાર મળતી થશે. આ બેઠકોને મંજુરી માટે છેલ્લા એક વર્ષથી પ્રક્રિયા ચાલતી હતી જેને મેડીકલ કાઉન્સીલ ઓફ ઇન્ડીયા દ્વારા આજે મંજૂરી આપી દેવાઇ છે જેના પર આ વર્ષે ૨૦૧૯-૨૦ થી  પ્રવેશ આપવામાં આવશે.

 

(8:25 pm IST)