Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

કઠલાલમાં પત્નીની હત્યા કરીને પતિએ ફાસો ખાધો: ભેદી સંજોગોમાં લાશ મળી આવતા ચકચાર

કઠલાલ: તાબે ચૌહાણપુરામાં પત્નિની હત્યા કરેલી અને પતિની સીમમાં ગળે ફાંસો ખાધેલ હાલતમાં મળેલી લાશોએ અનેક રહસ્ય સર્જ્યા છે. પોલીસ આ રહસ્યને ઉકેલવા માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ હાલમાં મરનારના ઘરે માતમ હોઈ પરિવારના સભ્યોની પુછપરછ થઈ શકી નથી. બીજી બાજુ સાસુએ પોતાની પત્નિની હત્યા પાછળ જમાઈનો હાથ હોવાની શંકા ઉપસાવતી ફરિયાદ નોંધાવતાં પોલીસે મરનારના પતિને શકદાર આરોપી તરીકે દર્શાવ્યો છે. પતિ-પત્ની બંનેની અંતિમવિધિ આજે અલગ-અલગ ગામમાં થઈ હતી. આ બનાવ પાછળ અનેક પ્રશ્નો ઊઠી રહ્યાં છે. ત્યારે પોલીસ ઝીણવટભરી તપાસ કરે તેવી માંગ છે. 

મળતી માહિતી મુજબ કઠલાલ તાબે ચૌહાણપુરામાં રહેતાં ૨૨વર્ષીય મુકેશભાઈ સુરેશભાઈ ખાંટના લગ્ન એક વર્ષ અગાઉ ચકલાસી તાબે આવેલા જાદવપુરામાં નવા રામદેવજી મંદિર પાસે રહેતાં કનુભાઈ નાનાભાઈ જાદવની પુત્રી કાજલ (ઉં.વ ૨૦) સાથે થયાં હતાં. સુરેશભાઈ અમદાવાદમાં પ્લાસ્ટીકની ફેક્ટરીમાં નોકરી કરતો હતો. બે-અઢી માસ પહેલાં પતિએ કાજલ પર ચારિત્ર્યનો વ્હેમ રાખી ઝઘડો કરતાં કાજલ રિસાઈને જાદવપુરા ચાલી ગઈ હતી. જો કે બાદમાં સુરેશ તેને તેડી લાવ્યો હતો. સુરેશના સાળા એટલે કે કાજલના ભાઈ અજયના લગ્ન તા.૧૫ એપ્રિલના રોજ હોવાથી કાજલ ભાઈના લગ્નપ્રસંગને લઈ લગ્નના ૧૫ દિવસ અગાઉ પિયર આવી હતી. તા.૮-૪-૧૯ના રોજ જમાઈ પણ સાળાના લગ્નને લઈ સાસરીમાં ગયા હતાં. ભાઈના લગ્નપ્રસંગે રાખેલા ગરબામાં સુરેશે કાજલને ગરબા ગાવા દીધા ન હતાં. પતિના શંકાશીલ સ્વભાવથી પરિચીત કાજલે ગરબા ગાયા ન હતાં. લગ્નપ્રસંગ હેમખેમ પતી ગયાં બાદ તા.૧૭ મી ના રોજ સુરેશભાઈના પિતા બીમાર થયાં હોવાની જાણ થતાં સુરેશભાઈને કરવામાં આવતાં તે તા.૧૭ ના રોજ કાજલને લઈ ઘરે ઉપડી ગયો હતો. બાદમાં તેના સાસરિયાઓ પણ ખબર કાઢવા આવ્યાં હતાં. 

(5:31 pm IST)