Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

શનિ-રવિ-સોમ ગુજરાત બફાઈ જશે

તામિલનાડુમાં વાવાઝોડુ 'ફાની'ના પગલે રેડએલર્ટ જાહેર : ૪-૫ દિવસ બાદ ત્રાટકશે : માછીમારોને દરિયો ન ખેડવા સુચના : સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં પારો ૪૫ને વટાવશે

રાજકોટ, તા. ૨૬ : તામિલનાડુમાં ધસમસતુ વાવાઝોડુ ''ફાની'' આવી રહ્યું છે. આગામી ૪ કે ૫ દિવસમાં આ વાવાઝોડુ ત્રાટકશે. હવામાન વિભાગે તામિલનાડુમાં રેડ એલર્ટ જારી કરી દીધુ છે. માછીમારોને દરિયો ન ખેડવા સુચનાઓ આપી દેવામાં આવી છે. દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની વરસાદ સાથે વાવાઝોડુ પણ આવી શકે છે. મોટુ નુકશાન થવા સંભવ છે. તંત્ર દ્વારા તૈયારી આરંભી દીધી છે.

હવામાન વિભાગનના જણાવ્યા અનુસાર ૩૦મી એપ્રિલે તામિલનાડુના ઉત્તરના ભાગમાં દરિયાઈ વિસ્તારમાં ત્રાટકશે. જેની અસર ૧ મેના પણ થઈ શકે છે. આ બે દિવસમાં તામિલનાડુ અને પુડ્ડુચેરીમાં પણ જોરદાર વરસાદ પડશે. ધુળનું તોફાન પણ થઈ શકે છે.

દરમિયાન દિલ્હી અને ઉત્તર ભારતના અનેક શહેરોમાં ગઈકાલે ધુળનું તોફાન જોવા મળ્યુ હતું. એપ્રિલ માસમાં હરીયાણા, ચંદીગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મરાઠાવાડા, વિદર્ભમાં લગભગ દિવસોમાં ઉષ્ણતાપમાન ૪૦ ડિગ્રી આસપાસ રહ્યુ હતું. આ ઉપરાંત ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, રાયલ સીમામાં પણ લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

હવામાન વિભાગે આવતીકાલથી ત્રણ - ચાર ડિગ્રી જોરદાર ગરમીની આગાહી કરી છે. પાછલા વર્ષોનો ગરમીનો રેકોર્ડ પણ તૂટે તેવી સંભાવના દર્શાવી છે.

(4:51 pm IST)