Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

એક સમાન મેઇન્ટેનન્સ માટે લડાઇ : ૩૨ વર્ષ સુધી સોસાયટી સામે લડયા બાદ સભ્યની જીત

અમદાવાદ તા. ૨૬ : ત્રણ દાયકા લાંબી કાયદાકીય લડાઈ બાદ આખરે અમદાવાદની પોશ એવી સત્યાગ્રહ સોસાયટીએ પ્લોટની સાઈઝ પ્રમાણે અલગ-અલગ મેઈન્ટેનન્સ લેવાનું બંધ કરવાનો ઠરાવ કર્યો છે. હાઈકોર્ટે આ અંગે જજમેન્ટ આપ્યાના છ વર્ષ બાદ હવે સોસાયટીમાં દરેક મેમ્બર પાસેથી એક સમાન મેઈન્ટેનન્સ લેવાશે. અગાઉ પ્લોટની સાઈઝ પ્રમાણે મોટો પ્લોટ ધરાવતા લોકો પાસેથી વધુ, જયારે નાનો પ્લોટ ધરાવતા લોકો પાસેથી ઓછું મેઈન્ટેનન્સ લેવાતું હતું.

આ ઠરાવથી સત્યાગ્રહ સોસાયટીમાં મોટો પ્લોટ ધરાવતા, અને અત્યાર સુધી વધુ મેઈન્ટેનન્સ આપતા મેમ્બર્સનને ફાયદો થશે. અસમાન મેઈન્ટેનન્સ સામે સોસાયટીમાં છેક ૧૯૮૭માં વિરોધ શરુ થયો હતો, જયારે સોસાયટીના ૨૫ વર્ષ પૂરા થવા પર તમામ મેમ્બર્સને મીઠાઈનું બોકસ અને ચાંદીનો સિક્કો આપવામાં આવ્યા હતા. તે વખતે વધુ મેઈન્ટેનન્સ આપતા મેમ્બર્સે વાંધો લેતા જણાવ્યું હતું કે ઓછું મેઈન્ટેનન્સ આપતા મેમ્બર્સ કરતા તેઓ વધારે રૂપિયા આપતા હોવાથી તેમને મીઠાઈનું બોકસ અને ચાંદીનો સિક્કો બંને મોટા મળવા જોઈએ.

સત્યાગ્રહ છાવણીમાં ૨૦૦૬થી રહેતા ડો. ભરત પરીખના જણાવ્યા અનુસાર, ૧૯૮૭માં મોટા પ્લોટધારકોએ તેમની પાસેથી વધુ મેઈન્ટેનન્સ લેવાના સોસાયટીના નિર્ણય સામે લડત શરુ કરી હતી. આ કાયદાકીય લડતમાં બંને પક્ષોએ મોટો ખર્ચ પણ કર્યો, અને આખરે છેક હવે તેનો નિવેડો આવ્યો છે. હવે સોસાયટીના દરેક મેમ્બરે એક સમાન મેઈન્ટેનન્સ ભરવાનું રહેશે, અને આ નિર્ણયથી હું ખૂબ ખુશ છું.

સોસાયટીમાં રહેતા મધુકર પરીખ, હરેન્દ્ર શાહ અને અન્યોએ આજથી ૩૨ વર્ષ પહેલા આ લડત શરુ કરી હતી, જે આખરે હાઈકોર્ટ સુધી પહોંચી હતી, જયાં સોસાયટી મોટા પ્લોટ ધરાવતા લોકો પાસેથી વધુ મેઈન્ટેનન્સ લેવાના કારણને સ્પષ્ટ ન કરી શકતા ૫ એપ્રિલ ૨૦૧૩ના રોજ કોર્ટે પ્લોટની સાઈઝને બદલે દરેક પ્લોટ દીઠ એક સમાન મેઈન્ટેનન્સ લેવાનો ઓર્ડર આપ્યો હતો.

જોકે, પાંચ વર્ષ સુધી સોસાયટીએ તેનો અમલ ન કરતા મધુકર પરીખે જુન ૨૦૧૮માં કન્ટેમ્પટ પિટિશન ફાઈલ કરી હતી. જેના પર કોર્ટે સોસાયટીને નોટિસ ફટકારતા સોસાયટી દ્વારા કોર્ટની બિનશરતી માફી માગવામાં આવી હતી, અને ત્યારબાદ ૭ એપ્રિલ ૨૦૧૯ના રોજ ઠરાવ પસાર કરી તમામ મેમ્બર્સ પાસેથી એક સમાન મેઈન્ટેનન્સ લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

(3:14 pm IST)