Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

વડોદરામાં મોડેલીંગ કરતી યુવતિની લાશ મળીઃ ૧પ દિવસમાં ૩ હત્યાથી ખળભળાટ

વડોદરા: વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા રિલાયન્સ મોલ પાછલ ખુલ્લા મેદાનમાં યુવતીની હત્યા કરી મૃતદેહ ફેંકી દેવાતા ચકચાર મચી જવા પામી છે. વડોદરામાં માત્ર 15 દિવસમાં જ જુદા જુદા વિસ્તારમાં ત્રણ હત્યા થઇ જતા કાયદા વ્યવસ્થા પર સવાલો ઉઠ્યા છે.

વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર રિલાયન્સ મોલ પાછળ ખુલ્લા મેદાનમાં યુવતીનો મૃતદેહ હોવાની માહિતી સ્થાનિક લોકોએ પોલીસને આપી હતી. જેથી જે પી રોડ પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. સાથે જ ક્રાઇમ બ્રાંચ, એસઓજી અને પીસીબી પોલીસની ટીમો પણ દોડી આવી હતી. પોલીસ તપાસમાં હત્યા કરાયેલ યુવતી પ્રાચી મોર્ય હોવાનું સામે આવ્યું છે. જે ઓ પી રોડ પર ઓર્ચીડ ડુપ્લેક્ષમાં રહે છે.

પોલીસ તપાસમાં વધુ સામે આવ્યું છે કે, યુવતી આર્ટીસ્ટ છે જે એમ્લોઝ ગ્રુપ સાથે ડ્રામાનું કામ કરે છે. મૃતક પ્રાચી ગઇ કાલે ખંભાતથી ડ્રામા પતાવી વડોદરા રાત્રે આવી હતી. ત્યારે તેને અંકિત નામના મિત્રએ હત્યા કરાયેલ સ્થળ પર છોડી હતી. ત્યારબાદ મૃતકનો મિત્ર વસીમ તેની સાથે હતો. ડીસીપી ક્રાઇમ જયદીપ સિંહ જાડેજાએ કહ્યું કે, પ્રાચીનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે.

મૃતક પ્રાચીની હત્યાની જાણ થતા તેની માતા પણ સ્થળ પર દોડી આવી હતી. સાથે જ મોટી સંખ્યામાં લોકોના ટોળાં એકત્રિત થયા હતા. મહત્વની વાત એ છે કે, યુવતીએ બી.ટેકનો અભ્યાસ કર્યો છે અને તેની કોઇ સાથે અદાવત કે દુશ્મની પણ ન હતી. પોલીસે યુવતીના મિત્ર અંકિતની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. મૃતક પ્રાચીના મિત્ર અંકિતે કહ્યું કે, પ્રાચીને ન્યાય મળવો જોઇએ.

જ્યારે મહત્વની વાત એ પણ છે કે, આર્ટિસ્ટ પ્રાચીની હત્યા પાછળ વસીમ નામનો યુવક પર પોલીસને પ્રબળ શક્યતા છે. પોલીસે વિવિધ ટીમો બનાવી વસીમની શોધખોડ પણ શરૂ કરી છે. ત્યારે યુવતીની હત્યા ખરેખર કોણે અને શા માટે કરી તે વસીમ પકડાયા બાદ જ સામે આવશે.

(4:48 pm IST)