Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

રાહત ફંડમાં ૧ દિવસના પગાર ઉપરાંતની રકમ આપનાર શિક્ષકને શિક્ષણ મંત્રી સાથે ફોનમા વાત કરવાની તક

અમદાવાદના રશ્મીબેન પટેલને ભૂપેન્દ્રસિંહે ફોન કરતા તેણી આશ્ચર્યચકિત

રાજકોટ, તા. ૨૬ :. રાજ્યના શિક્ષકોએ કોરોનાની મહામારી સામે લડવા માટે મુખ્યમંત્રી રાહત ફંડમાં એક દિવસના પગાર પેટે સરકારી અને ગ્રાન્ટેબલ શાળાના શિક્ષકોએ રૂ. ૪૬.૭૫ લાખ આપીને પહેલ કરી છે. એક દિવસના પગાર ઉપરાંતની નોંધપાત્ર રકમ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપનાર શિક્ષકો આ અંગેની જાણ કરે તો તેને ફોન કરીને અભિનંદન આપવાની શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રી હંમેશા શિક્ષક સમુદાયને 'મારો પરિવાર' તરીકે સંબોધે છે.  રાજ્યના ૧.૯૨ લાખ પ્રાથમિક અને ૫૯૦૦૦ માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષકોએ ગઈકાલે ૧ દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનું જાહેર કર્યુ છે. કેટલાક શિક્ષકોએ એક દિવસના પગાર ઉપરાંતની રકમ પણ આપી છે. અમદાવાદના નવા નરોડા વિસ્તારના શિક્ષિકા રશ્મીબેન પટેલે એક દિવસના પગાર ઉપરાંત રૂ. ૫૧૦૦૦ રાહત નીધિમાં આપ્યા તેની જાણ થતા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે તેને ફોન કરી અભિનંદન આપ્યા હતા. ખુદ શિક્ષણમંત્રીનો ફોન આવતા રશ્મીબેને સુખદ આશ્ચર્ય અનુભવ્યુ છે. રશ્મીબેનની જેમ બીજા શિક્ષકો અનુકરણ કરે તો તેને પણ ફોન કરી બીરદાવવાની ભૂપેન્દ્રસિંહે તૈયારી બતાવી છે. વધારાનું દાન આપનાર શિક્ષકો શિક્ષણ મંત્રીને તેમના મોબાઈલ નંબર ૯૯૦૯૦ ૧૮૩૦૩ ઉપર અથવા નીચેના ઈમેઈલ ઉપર જાણ કરી શકે છે. ઈ-મેઈલ...min-education@gujarat.gov.in

(11:37 am IST)