Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

કાયદો વ્યવસ્થા સામે મોટો પડકાર : મહત્તમ ટેસ્ટીંગ સુવિધા જરૂરી

પોલીસ વડા જાહેરાતો કરીને પ્રસિધ્ધીમાં રહે છે પણ વાસ્તવિક અમલ માટે મોટી સમજ અને કાર્યદક્ષતાની જરૂર : મોટી ધાર્મિક સંસ્થાઓ, ઉદ્યોગ ગૃહો, સહકારી સંસ્થાઓ આગળ આવે : જયનારાયણ વ્યાસના ઉપયોગી સૂચનો

અમદાવાદ તા. ૨૭ : રવિવાર તારીખ ૨૨ માર્ચના રોજ પ્રધાનમંત્રીશ્રી દ્વારા અપાયેલ જનતા કરફયુનો કોલ અદભુત સફળ રહ્યો. પ્રજાશકિતના મિજાજ અને આ રોગ સામે લડવાની પ્રતિબદ્ઘતાનો વિજય છે. આપણે એ માટે આનંદ વ્યકત કરીએ. આમ છતાં ડીજીપી અને પોલીસ કમિશનરશ્રી જેવા ઉચ્ચ સત્તાધારી પોલીસ ઓફિસરો જયાં બેસે છે તેમના નાક નીચે અથવા ગાંધીનગરથી થોડે દૂર સાંજે પાંચ વાગ્યે ઘંટનાદ સમયે અમદાવાદમાં ગરબા રમવાથી માંડી રેલી કાઢવા સુધીના આખા દિવસના સંયમની ધજજીયાં ઉડાવતાં દ્રશ્યો ૧૪૪ની કલમ જાહેર કરી હોવા છતાં, આ જાહેરાત માત્ર પેપર પર જ રહે તે રીતે બને તે પોલીસ તંત્ર જાણે કે સરિયામ નિષ્ફળ ગયું છે તેવું સૂચવે છે. રાજયના પોલીસ વડા જાહેરાતો કરીને પ્રસિદ્ઘિમાં રહે છે પણ કામગીરી અને જમીની અમલમાં તંત્રને જોડવા માટે ઘણી મોટી સમજ અને કાર્યદક્ષતાની જરૂર છે જે રવિવારે સાંજે અમદાવાદમાં બનેલ બનાવ પરથી કહી શકાય. આ તો હજુ શરૂઆત છે. આવનાર સમય કાયદો-વ્યવસ્થાથી માંડીને ઘણી બધી રીતે રાજયના પોલીસ તંત્ર સામે મોટો પડકાર બની રહેવાનો છે.

મેં મુખ્ય સચિવને તારીખ ૨૧ના રોજ પત્ર લખી કેટલાક મુદ્દાઓ તેમની સમક્ષ મૂકયા હતા. મુખ્યમંત્રીશ્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ આરોગ્ય વિભાગના અગ્ર સચિવશ્રી અને આરોગ્ય કમિશનરને આ પત્રની નકલો મોકલી હતી. ત્યારબાદ મુખ્ય સચિવશ્રી, આરોગ્ય કમિશનરશ્રી તેમજ ડો. કમલેશ ઉપાધ્યાય સાથે આ મુદ્દે વાત પણ થઈ છે.

આજે આ નોંધ થકી બીજા કેટલાક મુદ્દાઓ મુખ્ય સચિવશ્રી અને મુખ્યમંત્રીશ્રી તેમજ અગ્ર સચિવ (આરોગ્ય) અને આરોગ્ય કમિશનરના ધ્યાને મૂકવાનું ઉચિત સમજું છું.

(૧) આ રોગ સામે સફળ લડાઈ માટે મહત્ત્।મ ટેસ્ટિંગ સેવાઓ પ્રાથમિક જરૂરિયાત છે. જર્મની અને દક્ષિણ કોરિયા આનાં ઉદાહરણ છે. આ સંદર્ભમાં ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં આપણે અઠવાડિયે ૫૦ હજાર ટેસ્ટ કરી શકીએ તેવો અહેવાલ છે, જયારે અમદાવાદ મિરરમાં આથી તદ્દન વિપરીત અહેવાલ છે. ટેસ્ટિંગ સવલતોની બાબતમાં આપણે અપ્રમાણિક રહીશું તો એ પોલ જલદી ખુલ્લી પડી જશે. ખાનગી લેબોરેટરીઓને પણ આમાં જોતરવાની વાત છે. એમના દ્વારા કરવામાં આવનાર ચાર્જ ખૂબ ઊંચા ન હોય અને જરૂર જણાય તો સરકાર એને સબસિડાઇઝ કરે તેવી વ્યવસ્થા હોય. પણ સૌથી પહેલાં તો પ્રમાણિકતાપૂર્વક આપણે ત્યાં ટેસ્ટીંગની સવલતો કેટલી છે તે માત્ર કાગળ પર નહીં પણ ટેસ્ટીંગ કીટની ઉપલબ્ધિ સાથે જોડીને એ આંકડો નિશ્ચિત કરી લેવો પડશે. આમાં જરા પણ અપ્રમાણિકતા કરી તો એની કિંમત ઘણી મોટી ચૂકવવી પડશે.

(૨) એડવાન્સ વેન્ટિલેટર સિસ્ટીમ સાથેની પથારીઓની ઉપલબ્ધિ બીજી મોટી મર્યાદા છે. સાથે જ ડોકટરો અને નર્સીંગ સ્ટાફની ઉપલબ્ધિ પણ પ્રમાણમાં ઘણી ઓછી છે ત્યારે આ કામગીરી માટે ઈન્ડીયન મેડીકલ એસોસિએશન અને રાજયની ખાનગી મોટી હોસ્પિટલો ભેગા થઈને આવનાર ૪૮ કલાકમાં ગુજરાત રાજયમાં કુલ એડવાન્સ વેન્ટિલેટર સાથેની કેટલી પથારી છે તેનો આંકડો કાઢી આપે. ખાનગી હોસ્પિટલોમાં એના ચાર્જ જાણીને એમાં સબસિડી આપવાની જરૂર જણાય તો સરકાર આપે.

રાજયમાં જિલ્લાવાર કમસેકમ ૧૦૦૦ એડવાન્સ વેન્ટિલેટર સાથેની ક્ષમતા ઊભી થાય તેનું આયોજન આવનાર એક અઠવાડિયામાં કરવું જોઈએ. રાજય સરકાર મેડીસિટી સિવિલ હોસ્પિટલમાં ૧૦૦૦ પથારીની સવલતને એડવાન્સ વેન્ટિલેટર સપોર્ટ સાથેની આઈસીયુમાં ફેરવવા માગે છે તે સંદર્ભે સરકારી વિધિવિધાનોમાં ગૂંચવાયા વગર તાત્કાલિક મુખ્ય સચિવશ્રીની કક્ષાએ નિર્ણિત થઈ એડવાન્સ વેન્ટિલેટરથી માંડીને ખુટતી બધી જ સવલતો શોર્ટ ટર્મ નહીં, ઈમરજન્સી ટેન્ડર નોટીસ થકી પ્રોકયોર કરવી જોઈએ. આમાં આપણી સિસ્ટીમની જે મર્યાદાઓ છે તેને કયાંકને કયાંક તોડવી પડશે. અધિકારીઓ અને તંત્ર પર વિશ્વાસ મુકવો પડશે અને તેઓએ પણ પૂરી પ્રતિબદ્ઘતા સાથે પારદર્શિતા અને પ્રમાણિકતા જોડીને કામ કરવું પડશે.

(૩) ઉપલબ્ધ દવાઓ અને ભવિષ્યમાં પડનારી જરૂરિયાતો માટે રાજયના ડ્રગ કમિશનરશ્રીને સંબંધિત મેડીકલ સેવાઓના સંપર્કમાં રહી તેનો સ્ટોક પાઇલ ઉભો કરવા માટે સૂચવવું પડશે. અહીં એક મુશ્કેલી છે. ગુજરાત દેશની લગભગ ત્રીજા ભાગથી વધારે દવાઓ ઉત્પન્ન કરે છે. આ ઉદ્યોગનાં અનેક મધ્યમ અને નાનાં એકમો જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલાં છે. જો જીઆઇડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વટવાએ જાહેર કર્યું છે તે પ્રમાણે આ એકમોને પણ બંધ કરી દેશો તો દવાઓની સખત તંગી ઊભી થશે.

આ સંદર્ભે માનવબળ, નાણાંકીય સાધનો તેમજ ખૂબ મોટા પાયે આંતરમાળખાકીય સવલતો જરૂરી બનશે. આ સંદર્ભે જવાબદારી અને નાણાંકીય વ્યવસ્થાપન વહેંચવા માટે કેટલાક અગત્યના સુચનો નીચે મુજબ છે –

(અ) રાજયના ચેરિટી કમિશનરશ્રી થકી મોટાં ટ્રસ્ટો અને દેવસ્થાનોને આ પ્રવૃત્તિ માટે નાણાં છુટા કરવા તેમજ કેટલાક જિલ્લાઓને દત્તક લેવા ફરજ પાડી શકાય.

(બ) મોટાં ઔદ્યોગિક ગૃહો કોર્પોરેટ સર્વિસ રિસ્પોન્સિબિલિટીમાં નાણાં આ માટે વાપરી તાત્કાલિક જિલ્લાઓ દત્ત્।ક લઇ ટેસ્ટીંગ અને વેન્ટિલેટર બેડ સાથેના આઇસીયુ ઊભા કરે.

(ક) ધાર્મિક સંસ્થાઓ અને મોટી પ્રવૃત્તિ કરતાં બીએપીએસ, સ્વાધ્યાય પરિવાર, ગાયત્રી પરિવાર, રાધાસ્વામી સત્સંગ બ્યાસ, સ્વામિનારાયણના કાલુપુર, મણીનગર, રાજકોટ, હરિપ્રસાદ સ્વામી સોખડા, જેવા સંપ્રદાયો, સદવિચાર પરિવાર જેવી સંસ્થાઓ, જૈન શ્રેષ્ઠીઓ અને દાનવીર સંસ્થાઓને આ લડત સાથે જોડાય તો નાણાકીય સાધનો અને માનવબળની કોઈ તંગી નહીં રહે.

(ડ) રાજયની મોટી સહકારી સંસ્થાઓ, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક, જિલ્લા સહકારી બેંકો, મોટી ડેરીઓ, સુગર ફેકટરીઓ અને અમદાવાદ, ઊંઝા તેમજ સુરત જેવી મોટી એપીએમસી, સહકાર ખાતાના રજિસ્ટ્રાર અને પીએસ થકી ચોક્કસ પ્લાન અને નિર્ણિત કરી તેમના પાસેથી પણ નાણાંથી માંડી અન્ય વ્યવસ્થાઓમાં મદદ લઈ શકાય.

(ઇ) ઈન્ડીયન મેડીકલ એસોસિએશનનો સક્રિય સાથ લેવાય

(ફ) પેથોલોજી લેબોરેટરીઓના એસોસિએશનને ઝડપથી અને સસ્તા દરે ટેસ્ટિંગ કરવા માટે સહયોગી બની વ્યવસ્થા ઊભી કરાય. ગુજરાત સરકારે ચાર ખાનગી પેથોલોજી લેબને મંજૂરી આપી છે. આ રીતે આવનાર કટોકટીમાં ગુજરાતમાં એવી વ્યવસ્થા ઊભી થાય કે કોઇ દર્દી સારવાર કે ટેસ્ટિંગના અભાવે ના મરે.

(ગ) સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં તાત્કાલિક ૧૦૦૦ બેડ સાથેનું વેન્ટિલેટરથી સજ્જ આઇ.સી.યુ. ઊભું કરાય. જિલ્લા કક્ષાએ ઔદ્યોગિક ગૃહો, સ્વૈચ્છીક સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ વગેરે સાથે તાત્કાલિક પરામર્શ કરી ઓછામાં ઓછી ૫૦૦ બેડ વેન્ટિલેટર સાથે અને જરૂરી ટેસ્ટીંગ સવલતો તેમજ સ્ટાફ સાથે યુદ્ઘના ધોરણે ઉભી કરાય. આમ થશે તો શહેરો ઉપરનું ભારણ ઘટશે અને ગામડાંમાં આ રોગ ફેલાય ત્યારે સારવારમાં કોઈ મુશ્કેલી નહીં પડે.

(ઘ) જિલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલો તેમજ જયાં CDMO છે તેવી સિધ્ધપુર જેવી તાલુકા કક્ષાની સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજો સાથે જોડાયેલ હોસ્પિટલો પાસે ઉપલબ્ધ બેડ કેપેસિટી થકી આઇસોલેશન વોર્ડ અને વેન્ટિલેટરનો એસ્ટિમેટ કાઢી એ સવલતો કાર્યાન્વિત કરાય.

(ચ) બે મુદ્દા અહીંયા અગત્યના છે –

પહેલો, એરપોર્ટથી આવતા પ્રવાસીઓની સંખ્યા ઘણી ઘટી છે અને ઘટવાની છે. આમ છતાંય ડોમેસ્ટિક એરપોર્ટ પર ચેકિંગ ખૂબ જ અપૂરતું અને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ એટલું બધુ સંતોષકારક નથી. આ વ્યવસ્થા જડબેસલાક ગોઠવાય અને અમલ થાય. મહારાષ્ટ્ર સરકારે એરપોર્ટનું ફયુમિગેશન કરી એની સ્વચ્છતા તેમજ રોગના જંતુઓ સામે સલામતીનું મોટું કામ કર્યું છે. પહેલાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ અને ભૂજ એરપોર્ટ ઉપર આ કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરાય અને ત્યારબાદ અન્ય એરપોર્ટ જયાં મુસાફર આવ-જા કરે છે તેને પણ ફયુમિગેટ કરાય.

બીજો મુદ્દો કવોરેન્ટાઇનની સવલતો ઘણી પાંખી અને પાયાની સવલતોના અભાવ સાથેની છે એવી વ્યાપક ફરિયાદો છે. આથી ઉલટું પ્રવાસીઓ નહીં આવતા હોવાથી અમદાવાદમાં અને અન્ય શહેરોમાં ઘણી હોટલો ખાલી પડી છે. આમાંથી પસંદ કરી એક અથવા બે થ્રી-સ્ટાર હોટેલોને સંપૂર્ણપણે કવોરેન્ટાઇન હોટેલ તરીકે રાજય સરકારે જાહેર કરી એની કુલ બેડ કેપેસિટી પોતાને હસ્તક યોગ્ય તે ટર્મ્સ મુજબ લઈ લેવી જોઇએ. ત્યાં માત્ર રાજય સરકાર મોકલે તે કવોરેન્ટાઇનના કેસ સિવાય બીજા કોઈને રહેવા ના દેવાય અને આ લોકો પાસેથી 'પેઇડ કવોરેન્ટાઇન' તરીકે રાજય સરકાર નક્કી કરે તે સબસીડાઈઝ દરો લેવાય. ૧૪ દિવસ આ વ્યકિતએ આ હોટલમાં રહેવાનું છે જયાં બધી જ સવલતો છે એટલે તે માનસિક રીતે પણ સ્વસ્થ રહેશે અને રાજય સરકારે અધુરી કવોરેન્ટાઇન સવલતોને કારણે વેઠવી પડતી ટીકા પણ નહીં થાય.

(છ) આ રોગ સામે મોટા પાયે જનજાગૃતિ અભિયાન કરવા માટે જતાં સ્વૈચ્છીક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ, સમાજસેવી સંસ્થાઓ, ચેમ્બર ઓફ કોમર્સ, ગુજરાત મીડિયા કલબ અને અન્ય પ્રેસની સંસ્થાઓને જોડવી જોઈએ. અત્યારે લગભગ ૨૪ કલાક બધી ચેનલો Covid-19 સિવાય ભાગ્યે જ બીજું કંઈ બતાવે છે તે ઘટાડીને દિવસના બે કલાકથી વધુ નહીં કરી બાકીના સમયમાં સારા ચલચિત્રો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જેવી અથવા સારેગામા જેવા કાર્યક્રમો અને હળવા ફૂલ મનોરંજનના કાર્યક્રમો રજૂ કરવા જોઈએ. આ લડાઈ લાંબી ચાલવાની છે એટલે ઘરે રહીને માણસ ડિપ્રેશનમાં ન આવી જાય તે ચિંતા પણ કરવી જોઈએ.

(જ) ૧૦૮ની દરેકમાં વાનમાં ટેસ્ટિંગ કીટ મૂકી સ્ટાફને ટ્રેઇન કરવા. ટેસ્ટનું પરિણામ મોબાઈલ પર જ મોકલી અપાય.

(ઝ) ઈન્ટરશિપ કરતા ડોકટરો અને નર્સિંગ સ્ટાફને આમાં પૂર્ણતયા જોતરવો.

(ટ) મોટી ખાનગી હોસ્પિટલોનો સહયોગ લેવો (તૈયાર ઇન્ફ્રાસ્ટ્રકચર અને ટ્રેઇન્ડ સ્ટાફ એમની પાસે છે). એમને વધારાની વેન્ટિલેટર ફેસિલિટી ઉભી કરવા માટે ગ્રાન્ટ આપવી અને રાજયમાં આ હોસ્પિટલો થકી કુલ ૫૦૦૦ વેન્ટિલેટરની સવલત સાથેના આઇસોલેશન વોર્ડ ઉભા કરવા.

(ઠ) આધારભૂત ડેટા મળે અને બ્રિફિંગ થાય તે માટે રોજ અધિકૃત આંકડા, છેલ્લા ૨૪ કલાકમાં કેટલા નવા કેસ આવ્યા, કેટલા સાજા થયા, કેટલા રોગમુકત થઈ હોસ્પિટલમાંથી મુકત થયા અને કેટલાં મૃત્યુ થયાં, તેનો તે દિવસ પૂરતો અને કયુમુલેટિવ આંક વોટ્સઅપ કે ઈ-મેલથી મીડિયાને પૂરો પડાય.

(ડ) આ રોગને લગતી બિનઅધિકૃત, રાજકીય હેતુથી પ્રેરિત અને મજાક ઉડાવે કે ગભરાટ આવે તેવી માહિતી વ્હોટ્સઅપ કે અન્ય સોશિયલ મીડિયામાં મૂકનાર કે ફોરવર્ડ કરનાર ઉપર કડક પગલાં લેવાં અને એની જાહેરાત કરવી જે અન્ય આ પ્રકારની પ્રવૃત્ત્િ। કરનારાઓને રોકશે.

આ માટે શું કરવું?

(ઢ) રાજય કક્ષાએ મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં એક હાઈ પાવર જૂથ રચવું જેમાં વિપક્ષના નેતાશ્રી તેમજ અન્ય નિષ્ણાતો, સામાજિક તેમજ ધાર્મિક, સ્વેચ્છિક સંસ્થાઓનું નેતૃત્વ કરતી વ્યકિતઓ હોય. આ વ્યકિતઓ સાથે સ્કાઈપી કે વિડિયો કોન્ફરન્સિંગથી શરૂઆત કર્યા બાદ કમ સે કમ અઠવાડિયે એક દિવસ નિર્ધારિત દિવસે કોન્ફરન્સ કરવી.

(ત) રાજયકક્ષાએ આવનાર એક વરસ માટે Covid-19 હાઇપાવર રિસ્પોન્સ ઓર્ગેનાઇઝેશનની રચના કરવી. જેનું કામ સમગ્ર કામગીરીનું આયોજન તેમજ અમલીકરણ અને વિવિધ સંસ્થાઓ સાથે સંકલન તેમજ જિલ્લા દીઠ ઊભી થનાર વ્યવસ્થાઓનું આયોજન અને સંકલન રહે. આ રિસ્પોન્સ ઓર્ગેનાઇઝેશનના સંયોજક તરીકેનું કામ ડો. કમલેશ ઉપાધ્યાય જેવા નિષ્ણાતને સોંપી શકાય જે બધા જ પ્રકારની મેડિકલ કામગીરીનું સંકલન કરે.

આ સંસ્થાના ચેરમેન તરીકે કોઈ સિનિયર વ્યકિત નિમાય અને વાઇસ ચેરમેન તરીકે મુખ્ય સચિવશ્રી રહે તો વ્યવસ્થા વધુ અસરકારક બનશે.ઙ્ગઙ્ગ

આ ઓર્ગેનાઇઝેશનના હવાલે શરૂઆતમાં પ્રાથમિક તબક્કે રૂપિયા ૧૦૦૦ કરોડ મુકવા. સરકારી પદ્ઘતિમાં નિર્ણયની પ્રક્રિયા ખૂબ લાંબી અને થકવી નાખે તેવી હોય છે એટલે આ સંસ્થાના ચેરમેનના અધ્યક્ષસ્થાને એડિશનલ ચીફ સેક્રેટરી (ફાયનાન્સ), પ્રિન્સિપાલ ચીફ સેક્રેટરી (આરોગ્ય), આરોગ્ય કમિશનરશ્રી, સીઇઓ - ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક નાની કમિટીને ફાઇનાન્સિયલ સમેત બધા જ નિર્ણયો લેવા સત્તા આપવી. આ કમિટીના મેમ્બર સેક્રેટરી તરીકે કોઇ યુવાન એડિશનલ સેક્રેટરી કક્ષાના આઈએએસ અધિકારી અથવા એડિશનલ ડિરેકટર ઓફ હેલ્થ મુકવા.

આ ઓર્ગેનાઇઝેશનમાં ૩ થી ૪ આઇટી નિષ્ણાતો જુનિયર કક્ષાના આઈએએસ અથવા સિનિયર જીએએસ પાંત્રીસ વરસથી વધુ નહીં તેવા અધિકારી મૂકવા અને બીજો સ્ટેનોગ્રાફર, પટાવાળા, ડ્રાઇવર મળી કુલ સ્ટાફ ૧૫ થી વધવો ના જોઈએ. શરૂઆત ૧૦થી કરવી.

(થ) આ ઓર્ગેનાઈઝેશનને નવા સચિવાલયમાં અથવા શકય હોય તો અલગ બંગલો કામગીરી માટે આપવો.

(દ) આ ઓર્ગેનાઇઝેશન સાથે સંલગ્ન રહીને કામ કરવા જિલ્લા કક્ષાએ કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને CDHO, CDMO તેમજ અન્ય અધિકારીઓ સાથે એક નાના ગ્રુપનું ગઠન કરવું. સ્થાનિક જરૂરિયાતો માટે આ ગ્રુપને નાણાંકીય સત્તાઓ રાજયનું ઓર્ગેનાઇઝેશન્સ આપે.

(ધ) રાજય પોલીસ વડાશ્રીની ઓફિસમાં સાયબર મોનિટરિંગ તેમજ અન્ય સંકલન માટેની વ્યવસ્થા કરવી જે રાજય ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરશે. જેમ લાંબુ ચાલશે તેમ કંટાળશે. પોલીસને સંયમથી વરતીને પણ કડક અમલ માટે તાલીમ આપવી.

(ન) આર્થિક પેકેજ -ઙ્ગ મંદીનો માર વેઠતી અર્થવ્યવસ્થા, રોજમદારો, નાના વેપારીઓ કે કારોબારીઓ, માઈક્રો અને સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ ટ્રાન્સપોર્ટથી માંડી છૂટક વેપાર કરતા ભજીયાભૂંસાવાળાઓ, રિક્ષાચાલકો, ઓલા અને ઉબર જેવામાં કામ કરતાં ડ્રાઈવરો બધાના માટે આવકની મોટી તંગી સર્જાશે. નાનાં નાનાં વેપારી સંસ્થાનો કે ઓફિસો બંદ રહેશે પણ પગાર કઈ રીતે ચૂકવશે. આ માટેની વ્યવસ્થા તરીકે હમણાં બધાં જ લેણાં EMI સમેત સ્થગિત કરો.

(પ) લાંબા ગાળાને કારણે લોકોમાં હતાશા, ડિપ્રેશન ના થાય તેવાં પગલાં લેવા.

(ર) ઉનાળો સામે છે. પાણીની તંગી વ્યાક બનશે તે માટેની વ્યવસ્થા અને નાણાકીય જોગવાઈ સાથે એક અલગ ટાસ્ક ફોર્સ મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને કરવું.

(લ) પ્રચાર-પ્રસાર નહીં પણ સાચી માહિતી અને માર્ગદર્શન આપતી તંત્ર વ્યવસ્થા ગોઠવવી જેથી લોકોમાં ગભરાટ નહીં વિશ્વાસ ઊભો થાય.ઙ્ગ ઙ્ગ

આ ઉપરાંત રાજય સરકાર સામે કેટલીક બીજી વિષમ પરિસ્થિતિઓ પણ આવશે. આ બધુ લગભગ ઓગસ્ટ સુધી ચાલશે એમ સમજીને ઉત્તરપ્રદેશ સરકારે જે પેકેજ જાહેર કર્યુ છે તેવું પેકેજ આખા રાજયમાં ગરીબીની રેખા નીચે જીવતા તેમજ રિક્ષા ડ્રાઈવર, ટેકસી ડ્રાઇવર અન્ય મજૂરી કરીને પેટિયું રળનારા મજૂરો માટે તાત્કાલિક અસરથી જાહેર કરવું. કોઈ સંજોગોમાં એમને ભૂખમરો ના વેઠવો પડે તે સમાજના હિતમાં છે.  મુખ્ય સચિવશ્રી તેમજ સંબંધિત અધિક મુખ્ય સચિવ – નાણાં, ગૃહ વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગ તેમજ ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અને બીજા બે કે ત્રણ સિનિયર અનુભવી પૂર્વ આઇએએસ અધિકારીઓ તેમજ આઈપીએસ અધિકારીઓની એક ટીમ આ મુદ્દે તાત્કાલિક અસરથી વિચાર કરી કોઈ ભૂખ્યો ન સુએ, સાથોસાથ કોઈ દર્દી સારવાર કે દવા વગર ન મરે અને જડબેસલાક કાયદો અને વ્યવસ્થાનું તંત્ર જળવાય તે માટે વિચારણા કરી સતત મોનીટરીંગ કરે. આ આખોય બોજ ડીજીપી પર લાદવો હિતાવહ જણાતો નથી.

મારી સમજ મુજબ જે ધ્યાને આવ્યું તેના ઉપર ખાસ આ બે દિવસ જુદા જુદા નિષ્ણાતો સાથે ચર્ચા કરી આ લખ્યું છે. રાજય સરકાર પાસે સક્ષમ અધિકારીઓનું મોટું જૂથ અને મુખ્યમંત્રીશ્રીનું, નાયબ મુખ્યમંત્રીશ્રીનું તેમજ મુખ્ય સચિવશ્રીનું માર્ગદર્શન ઉપલબ્ધ છે. આમ છતાંય એક સામાન્ય નાગરિક તરીકે માનવતા ખાતર મને જે લાગ્યું તે સરકાર સમક્ષ મુકવાની ફરજ સમજીને આ નોંધ તૈયાર કરી છે. રાજય સરકાર પૂરી પ્રતિબદ્ઘતાથી કામે લાગી છે તેમાં મને કોઈ શંકા નથી. માનનીય પ્રધાનમંત્રીશ્રીએ કહ્યું છે તેમ હવે કોરોના સામે લડવાનો કટોકટીનો તબક્કો શરૂ થાય છે. એ લાંબો ચાલવાનો છે. જનતા કરફયુએ લોકોને ઘણી રીતે માનસિક તૈયારી આપી છે પણ કામ નહીં કરવાનું તેનો અર્થ એક કુટુંબના ૧૫ સભ્યો એર કન્ડીશન્ડ બેડરૂમમાં બેસીને પત્તા કે અંતકડી રમે તે નહીં, સામાજિક રીતે દૂરી પાળવાની છે. એક થી બીજા સંપર્ક થકી થતા આ રોગમાં આપણે સંપર્ક ચેઇન તોડવાની છે. ખૂબ મુશ્કેલ અને મોટી તકલીફો ઊભી થવાનો સમય આવી રહ્યો છે ત્યારે આપણને સૌને એક જૂથ - એક દેશ તરીકે આ કામમાં લાગી જવાની પ્રભુ શકિત આપે અને આ કટોકટીમાંથી આપણે હેમખેમ પાર ઊતરીએ એ પ્રાર્થના અને ભાવ સાથે આ નોંધ પૂરી કરું છું.(૨૧.૧૨)

જયનારાયણ વ્યાસના સૂચનોની ઝલક

- કોરોનાના ટેસ્ટીંગમાં ખાનગી લેબોરેટરીઓને પણ જોડવી જોઇએ.

- તાત્કાલિક ૧૦૦૦ એડવાન્સ વેન્ટીલેટર સાથેની ક્ષમતા સર્જવી જરૂરી

- ઉદ્યોગ ગૃહો - મોટા દેવસ્થાનોને જિલ્લા દત્તક લેવડાવવા જોઇએ.

- જરૂર મુજબ થ્રી સ્ટાર હોટલોને કવોરન્ટાઇલ હોટલ જાહેર કરવી જોઇએ.

 - પ્રચાર માધ્યમોમાં કવોરાના સમાચારોનો અતિરેક ટાળવો જોઇએ. ટીવી શ્રેણીઓમાં મનોરંજન આપવું જરૂરી.

  - ૧૦૮ની દરેક વાનમાં ટેસ્ટીંગ કીટ મુકી સ્ટાફને તાલીમ આપી શકાય.

- સમગ્ર કામગીરીના સંકલન માટે રાજ્ય કક્ષાએ હાઇપાવર ઓર્ગેનાઇઝેશનની વ્યવસ્થા કરવી જોઇએ.

વેપારીઓ, ઉદ્યોગકારો પગાર કઇ રીતે ચૂકવશે ? આર્થિક વ્યવસ્થા જરૂરી

રાજકોટ : નાનાં નાનાં વેપારી સંસ્થાનો, ઓફિસ, માઇક્રો - લઘુ અને મધ્યમ ઉદ્યોગો બંધ રહેશે ત્યારે એમને પગાર ચૂકવવા માટેની વ્યવસ્થામાં સહાયભૂત થવા રાજય સરકારે રિઝર્વ બેંકના પરામર્શમાં બેંકો પાસે લાઇન ઓફ ક્રેડિટ ઊભી કરી આ બધા સંસ્થાનોને છેલ્લા પગારપત્રક મુજબ જે પગાર ચૂકવ્યો હોય તેટલી રકમ પગાર પેટે સંપૂર્ણ વ્યાજમુકત તેમને મળે અને જાન્યુઆરી ૨૦૨૧ બાદ ૧૨ સરખા હપ્તાઓમાં બેંકોને પાછી ચૂકવી અપાય તેવી વ્યવસ્થા તાત્કાલિક ગોઠવવી જોઈએ.

આવું નહીં થાય તો સમાજનો નોકરિયાત અને મધ્યમ વર્ગ વધુ મોટી મુશ્કેલીમાં આવશે. રાજય સરકારે માત્ર બેંકોને ઓથોરાઇઝેશન આપી છેલ્લા પગારપત્રકનું સેલ્ફ ડિકલેરેશન જે તે સંસ્થા કરે તેનો પીએફ રજીસ્ટ્રેશન નંબર લઈને આ લાઈન ઓફ ક્રેડીટ તાત્કાલિક ચાલુ કરી આપવી જોઈએ. અર્થવ્યવસ્થા સમૂળગી ભાંગી ન પડે અને હતાશાના ના ફેલાય તે માટે આ જરૂરી છે. આ પ્રકારની વ્યવસ્થા અલગથી ગ્રામ્ય અર્થતંત્ર તેમજ ખેડૂતો અને મજૂરી પર નભતા વર્ગો માટે ઉત્તર પ્રદેશે આપેલ પેકેજ મુજબ ગોઠવી શકાય. તેમ શ્રી જયનારાયણ વ્યાસે સૂચન કર્યું છે.

જયનારાયણ વ્યાસ

પૂર્વ કેબીનેટ મંત્રી - ગુજરાત

મો. ૯૮૨૫૦ ૦૫૩૩૫

(11:36 am IST)