Gujarati News

Gujarati News

News of Thursday, 26th March 2020

પેપર તપાસવાનું કામ અટકયું

ધો.૧૦-૧૨ના પરિણામો મોડા જાહેર થશે

અમદાવાદ, તા.૨૬: કોવિડ ૧૯ને ફેલાતો રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનની અસર આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર ૧૮ લાખ વિદ્યાર્થીઓના રિઝલ્ટ પણ પડશે તેવી શકયતા છે. લોકડાઉનના કારણે પેપર ચકાસવાનું કામ ૧૪ એપ્રિલ સુધી મુલતવી રખાયું છે, જેના કારણે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ મે મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયામાં જાહેર કરાશે.

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજયુકેશન બોર્ડ(GSHSEB)ના અધિકારીઓએ કહ્યું કે, ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉન લંબાવાશે તો રિઝલ્ટ જાહેર કરવામાં પણ મોડું થશે.

સ્કૂલ ટીચર્સ અસોસિએશને શિક્ષકોને ઘરે બેસીને ઉત્ત્।રવહીઓ ચકાસવા દેવાની મંજૂરી આપવાની માગ કરી છે. જો કે, GSHSEBના ચેરમેન એ.જે. શાહે શકયતાઓને નકારી હતી. 'શિક્ષકોને ઘરે ઉત્તરવહીઓ ચકાસવા આપી તે શકય જ નથી. બોર્ડ કોઈ પણ નિર્ણય લેવા માટે ૧૪ એપ્રિલ સુધી રાહ જોશે'.

સામાન્ય રીતે મે મહિનાના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વખતે અંતમાં જાહેર કરાશે તેવી શકયતા છે. જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય અને લોકડાઉન યથાવત્ રહેશે તો તેનાથી પણ મોડું થશે. 'જો આવું થશે તો સામાન્ય રીતે જુલાઈમાં શરૂ થનારા ગ્રેજયુએશન કોર્સ માટેની એડમિશન પ્રક્રિયા પણ વિલંબિત થશે. તે આખા એકેડેમિક કેલેન્ડરને અસર કરશે. CBSEએ તેમની પરીક્ષા હજુ સુધી પરીક્ષાઓ પૂર્ણ કરી નથી, તેથી એકેડેમિક કેલેન્ડરને ચોક્કસપણે અસર કરશે', તેમ શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું.

ગુજરાત સરકારે ધોરણ ૧ થી ૯ તેમજ ૧૧ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની જાહેરાત કર્યા બાદ, વિવિધ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ પણ આવી માગણી કરી છે. ABVP અને NSUIએ મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, શિક્ષણ વિભાગના અધિકારીઓ તેમજ દરેક યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરને પત્ર લખીને ગ્રેજયુએટ તેમજ પોસ્ટ-ગ્રેજયુએટના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાની માગણી કરી છે. જો કે, શિક્ષણ વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ સમયે આ પ્રકારની કોઈ દરખાસ્તને ધ્યાનમાં લેવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ૧૯૭૨ અને ૧૯૮૪માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. તે સમયે વિદ્યાર્થીઓને માર્કશીટના બદલે પાસિંગનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. નામ ન જણાવવાની શરતે શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, 'અગાઉ માસ પ્રમોશનને કોર્ટમાં પડકારાયું હોવાથી, અમે તેમ નહીં કરીએ. એપ્રિલમાં કેવી પરિસ્થિતિ રહે છે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે'.

યુનિવર્સિટીઓ ઓનલાઈન પરીક્ષા યોજવાનું વિચારી રહી છે. પીજી કોર્સમાં ઓછા વિદ્યાર્થીઓ હોવાથી ઓનલાઈન પરીક્ષાની વિચારણા ચાલી રહી છે.

GTUના વાઈસ ચાન્સેલર નવિન શેઠે જણાવ્યું કે, 'જો જરૂર પડી તો, માસ્ટર ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે અમે ઓનલાઈન પરીક્ષા લેવાનું વિચારી રહ્યા છીએ. અમે આ વિદ્યાર્થીઓની પરીક્ષા પેન અને પેપર સિવાયના ફોર્મેટમાં લેવાની યોજના બનાવી રહ્યા છીએ'.

(10:29 am IST)