Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ગુજરાતમાં ક્લિન સ્વીપને લઇ ભાજપ વિરૂદ્ધ પડકાર

૨૬ પૈકી ૨૬ સીટો જીતવી ખુબ મુશ્કેલ છે : વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના શાનદાર દેખાવ બાદથી ભાજપ સામે કેટલીક મુશ્કેલીઓ : બંને પાર્ટીઓ લડાયક

અમદાવાદ, તા. ૨૬ : ૨૦૧૪ લોકસભા ચૂંટણીમાં મોદી લહેર પર સવાર થઇને ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતની તમામ ૨૬ સીટો જીતી લીધી હતી. પાંચ વર્ષ બાદ કેન્દ્ર અને રાજ્યમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આ પ્રદર્શનનું પુનરાવર્તન કરવાની બાબત સરળ દેખાતી નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીએ દેખાવ સુધારવામાં સફળતા મેળવી હતી જેથી ભારતીય જનતા પાર્ટી માટે તમામ સીટો જીતવાની બાબત સરળ નથી. ૨૦૧૭ની ચૂંટણીમાં કોંગ્રેસને કુલ ૭૭ સીટો મળી હતી જે છેલ્લા ત્રણ દશકના ગાળામાં તેને મળેલી સૌથી વધારે સીટો છે. વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં ધ્યાન આપવામાં આવે તો ગુજરાતની ૨૬માંથી આઠ લોકસભા એવી હત જ્યાં કોંગ્રેસને ભાજપ કરતા ૧૪૦૦૦થી લઇને ૧.૬૮ લાખ વધારે મત મળ્યા હતા જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી અને આણંદનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં આ લોકસભા સીટ પર કોંગ્રેસની સ્થિતિ સારી હોઈ શકે છે. ૨૦૧૭ની ચૂંટણીમાં જે લોકસભા સીટ ઉપર સ્થિતિ સારી રહી હતી ત્યાં આ વખતે પણ સારા દેખાવની અપેક્ષા છે. ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું કહેવું છે કે, લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીની સરખામણી કરી શકાય નહીં. બંને જુદા જુદા મુદ્દા છે. કેન્દ્ર સરકારના દેખાવના કારણે ગુજરાતના લોકો નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં મતદાન કરશે. મોદીના કરિશ્મા ઉપર ભારતીય જનતા પાર્ટી મુખ્યરીતે આધારિત છે. વિકાસ અને પુલવામા હુમલા બાદ એરસ્ટ્રાઇકના મુદ્દા ઉપર ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરવા માટે ઇચ્છુક છે. બનાસકાંઠામાં આવનાર સાત વિધાનસભા સીટમાં કોંગ્રેસે પાંચ અને ભાજપે બે સીટો મેળવી હતી. બેરોજગારી મોટો મુદ્દો છે. આવી જ રીતે અન્ય સીટો ઉપર ગણતરી કરવામાં આવે તો પાર્ટી માટે કેટલીક અડચણો રહેલી છે.

(9:22 pm IST)