Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

પાટીદારો અને ભાજપવાળાનું પણ અમિતભાઈ શાહ સામે ચૂંટણી લડવા દબાણ: શંકરસિંહ વાઘેલાનો દાવો

એનસીપી જ નહિ કોંગ્રેસ પણ ઈચ્છે છે કે તેઓ શાહ સામે ચૂંટણી લડે

અમદાવાદ :પૂર્વ કેન્દ્રીયમંત્રી અને એનસીપીના નેતા શંકરસિંહ વાઘેલાએ દાવો કર્યો છે કે, ગાંધીનગરથી અમિતભાઈ  શાહ સામે ચૂંટણી લડવા તેમના પર દબાણ કરાઈ રહ્યું છે. બાપુએ જણાવ્યું હતું કે, તેઓ લોકસભા ચૂંટણી લડવા નથી માગતા, પરંતુ તેમના પર અમિતભાઈ શાહ સામે મેદાનમાં ઉતરવા માટે દબાણ કરાઈ રહ્યું છે. બાપુએ કહ્યું હતું કે તેમના પક્ષ એનસીપી જ નીં પરંતુ કોંગ્રેસ પણ ઈચ્છે છે કે તેઓ અમિતભાઈ  શાહ સામે ચૂંટણી લડે.

   શંકરસિંહ વાઘેલાના દાવા અનુસાર, ભાજપમાંથી પણ કેટલાક લોકો તેઓ અમિત શાહ સામે ચૂંટણીમાં ઉતરે તેવું ઈચ્છી રહ્યા છે. તેમનું કહેવું છે કે, જ્યારથી આ અંગેના સમાચાર આવ્યા છે ત્યારથી તેમને સતત લોકોના ફોન આવી રહ્યા છે, અને તેમને ચૂંટણી લડવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. પાટીદાર સમુદાયના ટોચના આગેવાનો ઉપરાંત ભાજપમાં રહેલા પાટીદાર નેતાઓ પણ તેમને ચૂંટણી લડવા કહી રહ્યા છે.

   ગાંધીનગર લોકસભા બેઠકમાં આવતા ઘાટલોડિયા, નારણપુરા અને અન્ય વિસ્તારોના પાટીદારો શંકરસિંહને જ મત આપશે તેવી ખાતરી પણ પાટીદાર આગેવાનો આપી રહ્યા હોવાનું બાપુએ જણાવ્યું હતું. બાપુએ એ વાતનો આડકતરો સંકેત પણ આપ્યો હતો કે જો કોંગ્રેસ તેમને ટેકો આપે તો તેઓ અમિતભાઈ શાહ સામે ચૂંટણી લડી શકે છે

(8:33 pm IST)