Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

સૌરાષ્‍ટ્ર-ગુજરાતના ૩ ધારાસભ્યો દિલ્હી દોડી ગયાઃ લોકસભા બેઠક માટે ચર્ચા-વિચારણા

વડોદરા :સૌરાષ્ટ્રના કોગ્રેસના ત્રણ ધારાસભ્યો અને લોકસભા બેઠકોના દાવેદારોને દિલ્હીનું તેડું આવતા વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા. કોગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ પોતાની બેગ લઈ દિલ્હી જવા ઉપડ્યા હતા.

કોગ્રેસના ધારાસભ્યો લલિત કગથરા, લલિત વસોયા અને કિરીટ પટેલ લોકસભાની ટિકીટ મેળવવા ધમપછાડા કરી રહ્યા છે. જેના કારણે સૌરાષ્ટ્રમાં કોગ્રેસને લોકસભાના ઉમેદવારો જાહેર કરવા માટે ભારે કમર કસવી પડી છે. ત્યારે રાહુલ ગાંધીએ ત્રણેય ધારાસભ્યોને દિલ્હી બોલાવતા તેવો દિલ્હી જવા રવાના થયા છે. લલિત કગથરાએ કહ્યું કે, સૌરાષ્ટ્રમાં ખેડૂતોના પાકવીમાનો સૌથી મોટો પ્રશ્ર છે. જે પ્રશ્ર ઉઠાવવા માટે સ્થાનિક તંત્ર તેમને પરવાનગી નથી આપતી. જેથી તેઓ રાહુલ ગાંધી સાથેની બેઠકમાં તેમને સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દે સભા કરવા માટે સૂચન કરશે. સાથે લોકસભાની બેઠકો માટે પણ રાહુલ ગાંધી સાથે ચર્ચા કરવામાં આવશે

ગુજરાતના મંત્રી ગણપત વસાવાએ ગઈકાલે રાહુલ ગાંધીને ઝેર પીવું જોઈએ. વિવાદાસ્પદ નિવેદનનો જવાબ આપતા લલિત કગથરા બોલ્યા કે, ભાજપના નેતાઓની બુદ્ઘિ વિનાશ કાળે વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે. ભાજપની ગુજરાતમાંથી જમીન સરકી રહી છે, જેથી વાણીવિલાસ કરી રહ્યા છે.

જ્યારે લલિત વસોયાએ કહ્યું કે, રાહુલ ગાંધી સાથે બેઠક છે, જેમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને સૌરાષ્ટ્રમાં ખેડૂતોના મુદ્દે જાહેર સભા યોજવા આમંત્રણ અપાશે. તેમજ સૌરાષ્ટ્રમાં ભાજપના ઉમેદવારો બાદ કોગ્રેસના ઉમેદવારો જાહેર થશે  તે રણનીતિ પર ચર્ચા થશે.

અમિત ચાવડા અને પરેશ ધાનાણી દિલ્હીમાં

ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મોવડીઓ તો પહેલેથી દિલ્હીમાં છે. પરેશ ધાનાણી અને અમિત ચાવડા 25 માર્ચથી દિલ્હીમાં છે. તેમણે કોંગ્રેસનો આંતરિક વિખવાદ શાંત કરીને 8 ઉમેદવારોના નામનું લિસ્ટ બનાવ્યું છે. લિસ્ટને આજે દિલ્હીમાં કોંગ્રેસ સ્ક્રીનિંગ કમિટી અને સેન્ટ્રલ ઈલેક્શન કમિટીની બેઠકમાં રજૂ કરવામાં આવશે. જેના બાદ કયા નામ પર મહોર લાગશે તે નક્કી થશે.

(4:29 pm IST)