Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ગુજરાતમાં આયકર વસૂલાતમાં ૨૫%નો વધારો : મેહરોત્રા

ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ અજયદાસ મેહરોત્રા રાજકોટમાં : નાના કરદાતાઓના પ્રશ્નો ઉકેલવા ઓપન હાઉસ રાજકોટ એકમના કાર્યોની સમીક્ષા : અદાલતોમાંથી સૌરાષ્ટ્રના ૧૬૪ કેસ પરત ખેંચાયા : દોઢ લાખ નવા કરદાતા વધ્યા

રાજકોટ, તા. ૨૬ : ગુજરાત ઈન્કમટેક્ષ એકમ દ્વારા ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ૨૫%નો કરવસૂલાતમાં વધારો થયો છે તેમ રાજકોટ આવેલા ચીફ કમિશ્નર ઓફ ગુજરાત શ્રી અજયદાસ મેહરોત્રાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું.

ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ શ્રી અજય દાસ મેહરોત્રાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે રાજકોટ ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ હેઠળના નાના કરદાતાઓ કે અન્ય કોઈ ઈન્કમટેક્ષને લગતી સમસ્યાઓના પ્રશ્નોના નિવારણ માટે આજે ઓપન હાઉસ ચર્ચા રાખવામાં આવી છે. અગાઉના અમદાવાદ, વડોદરા, સુરત, વાપી, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, ભુજ, હિંમતનગર સહિતના જિલ્લાઓમાં યોજાયેલી ઓપન હાઉસમાં તમામ પ્રશ્નોનું નિરાકરણ આવ્યુ છે તેવી રીતે રાજકોટમાં પણ કરદાતાઓના પ્રશ્નોને નિરાકરણ લાવવા સનિષ્ઠ પ્રયાસ કરવામાં આવશે.

ચીફ કમિશ્નર ઓફ ઈન્કમટેક્ષ શ્રી અજય દાસ મેહરોત્રાએ વધુમાં જણાવ્યુ હતું કે, સામાન્ય રીતે મોટાભાગના કરદાતાઓની ફરીયાદ હોય છે કે તેમના ટીડીએસમાં તફાવત આવતો હોય છે. આ પ્રશ્ને સંબંધિત વિભાગને તાકીદ કરીને પ્રશ્નો ઉકેલવામાં આવે છે. આયકર વિભાગની ફરીયાદ કોઈ હોય તો તેમણે ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયા સીપી ગ્રાઉન્ડ ઓલ ઈન્ડિયા કક્ષાએ કરી શકાય છે તેવી જ રીતે ગુજરાત કક્ષાએ પણ વેબસાઈટ ઉપર ફરીયાદ હોય તો દાખલ કરી શકાય છે. ઉપરાંત આવી ફરીયાદોનું ઓપન હાઉસમાં નિરાકરણ આવતુ હોય છે. ગુજરાતમાં દોઢ લાખથી વધુ કરદાતાઓનો વધારો થયો છે. ગત વર્ષની સરખામણીમાં ૨૫.૨%નો વધારો નોંધાયો છે.

પત્રકારો સાથેની વાતચીતમાં ચીફ કમિશ્નર શ્રી અજયદાસ મેહરોત્રાએ વધુમાં જણાવ્યુ હતું કે, ભારત સરકારના નાણા વિભાગે ગુજરાતની જિલ્લા, હાઈકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં દાખલ થયેલા અંદાજીત ૨૦ લાખ, ૫૦ લાખ અને ૧ કરોડની રકમના ૨૪૮૭ કેસો પરત ખેંચાયા છે. જેમાં રાજકોટ આયકર વર્તુળ હેઠળ દાખલ થયેલા ૧૬૪ કેસ પરત ખેંચવામાં આવ્યા છે.

કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ, નવી દિલ્હીના દિશાનિર્દેશો અનુસાર મુખ્ય આયકર આયુકત, રાજકોટ દ્વારા  આજે મંગળવાર, તા. ૨૬ના બપોરે ૩ થી ૪ સુધી રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ માટે એક ઓપન હાઉસ નું આયોજન કરવામાં આવ્યું છે.  ઓપન હાઉસ દરમ્યાન કરદાતાઓ તરફથી પ્રાપ્ત  થતી  ફરીયાદોનું આયકર વિભાગ દ્વારા ત્વરીત નિવારણ કરવામાં આવે છે. રાજકોટના કરદાતાઓ તેમના  પ્રતિનિધિઓ અને નાગરિકો દ્વારા આપવામાં આવતા સૂચનો પર પૂરતું ધ્યાન આપવામાં આવશે અને જયાં જરૂર હોય ત્યાં પગલાં ભરવામાં આવશે,

 રાજકોટના કરદાતાઓ તેમના પ્રતિનિધિઓ અને વ્યવસાયીઓ તથા નાગરિકો કોઈ પણ પ્રકારની પૂર્વ એપોઇન્ટમેન્ટ વગર મુખ્ય આવકવેરા કમિશનર શ્રી અજય દાસ મેહરૌત્રાને આજે મંગળવાર, તા. ૨૬નાં   રોજ બપોરે  ૩ થી ૪ સુધી છઠ્ઠા માળે, આયકર ભવન, રેસકોર્સ રિંગ રોડ,  રાજકોટ સ્થિત આવકવેરા કચેરીમાં તેમના કક્ષમાં મળવાની તકનો લાભ લઈ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.

(3:33 pm IST)