Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

આગામી બે દિવસમાં અમદાવાદમાં ગરમી ભુક્કા બોલાવશે:તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચશે

સૌરાષ્ટ્ર-કચ્છ અને દ‌ક્ષિણ ગુજરાતમાં હજુ ૪૮ કલાક હિટવેવ રહેશે

અમદાવાદ: શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીમાં વધારો થઇ રહ્યો છે. લાંબા સમયથી સવારે ઠંડી, બપોરે ગરમી અને રાત્રે પાછી ઠંડી એમ ત્રેવડી સિઝનનો અહેસાસ થઇ રહ્યો હતો  પરંતુ હવે ગરમીની તીવ્રતામાં વૃદ્ધિ થવાથી શકયતા છે આગામી ૪૮ કલાકમાં શહેરમાં ગરમીનો પારો ૪૦ ડિગ્રીની પાર થવાની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવાઇ છે.

  અમદાવાદમાં ગઇ કાલે ૩૭.૯ ‌ડિગ્રી સેલ્સિયશ મહત્તમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધું હતું. આજે સવારે રર.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું. આમ હવે શહેરમાં મહત્તમ અને લઘુતમ એમ બંને તાપમાનમાં વધારો થઇ રહ્યો હોઇ આ બાબત સ્પષ્ટ રીતે સૂચવે છે કે ઉનાળાની કાળઝાળ ગરમીના દિવસો આવી પહોંચ્યા છે.

આ ગરમીની તીવ્રતામાં આગામી બે દિવસમાં સતત વૃદ્ધિ થઇને ૪૦ ડિગ્રીની ઉપર જઇને મહત્તમ તાપમાનનો પારો જઇને અટકે તેવી આગાહી સ્થાનિક હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. જ્યારે રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છ અને દ‌ક્ષિણ ગુજરાતમાં હજુ ૪૮ કલાક હિટવેવ રહેશે તેમ પણ હવામાન વિભાગની કચેરીનાં સૂત્રો જણાવે છે.

(1:54 pm IST)