Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

સમાજના ડરથી સુરતના પ્રેમી પંખીડાએ ડુમસના દરિયા કિનારે ઝેર ગટગટાવ્યું

સુરત:સમાજને ખબર પડી જશે એવા ભયથી વેડરોડ ખાતે રહેતા પરિણીત પ્રેમીપંખીડાએ ડુમસના દરિયા કિનારે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ વેડરોડ  પર રહેતા ૨૮ વર્ષીય વિકાસ (નામ બદલ્યું છે) કતારગામમાં હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તે જ કારખાનામાં રત્નકલાકાર તરીકે ફરજ બજાવતી ૩૧ વર્ષીય સુશીલાબેન  (નામ બદલ્યું છે) સાથે ૩ વર્ષ અગાઉ વિકાસની આંખ મળી ગઇ હતી. બંને જણા પરિણીત અને બંનેને સંતાનો પણ છે છતાં  બંને જણા ચોરીછુપી મળતા હતા.

ગઇકાલે બપોરે બંને જણા ડુમસ ચોપાટી ખાતે ગયા હતા ત્યાં દરિયા કિનારે પ્રેમીપંખીડાએ ઝેરી દવા પી જતાં ઢળી પડયાં હતા. કોઇ વ્યક્તિની નજર પડતા બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જો કે, સમાજમાં છુપાપ્રેમ વિશે ખબર પડી જશે એવી બીકના લીધે બંનેએ આ પગલું ભર્યું હોવાનું પોલીસ સૂત્રોએ કહ્યું હતું. આ અંગે ડુમસ પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:58 pm IST)