Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ફાયર સેફટીનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરોઃ જાહેર હિતની અરજી મુદ્દે ગુજરાત હાઇકોર્ટ દ્વારા અમદાવાદની હોસ્પિટલો અને નર્સિંગ ઍસોસિઍશનને નિર્દેશ

અમદાવાદ: શ્રેય હોસ્પિટલમાં અગ્નિકાંડ બાદ ફાયર સેફટીની અમલવારી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવેલી જાહેરહિતની અરજી મુદ્દે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસસોશિએશનને નિર્દેશ આપતા કહ્યું કે ફાયર સેફટીનું પાલન કરો અથવા હોસ્પિટલ બંધ કરો.

ગુજરાત હાઈકોર્ટે મૌખિક અવલોકન કરતાં રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયર સેફટી વગરની ઇમારતો, ફેકટરીઓ, શાળાઓ અને હોસ્પિટલ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ કર્યો છે. શ્રેય હોસ્પિટલ ફરીવાર શરૂ કરવાની રજૂઆત પણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે.

રાજ્યમાં 50 હજારથી વધુ ઇમારતો પાસે ફાયર સેફટી ન હોવાના આંકડા પર હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી. અગાઉની સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે અમદાવાદમાં ફાયર NOC ન ધરાવનાર 151 હોસ્પિટલોને નોટિસ પાઠવવાનો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો હતો કોર્ટે કહ્યું હતું કે જો આ આદેશ પછી પણ હોસ્પિટલો ફાયર NOC ન મેળવે અને નિયમોનું પાલન ન કરે તો આ હોસ્પિટલોમાં દર્દીઓને પણ દાખલ કરી શકાશે નહી.

ગુજરાત હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૧૫મી ડિસેમ્બર 2020ના રોજ આપવામાં આવેલા નિર્દેશો પ્રમાણે ક્યાં પ્રકારના પગલાં લેવામાં આવ્યા તેનો સ્ટેટ્સ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો હતો.

અમદાવાદ શહેરમાં કુલ 2249 હોસ્પિટલો આવેલા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગત ૩૧મી ડિસેમ્બરના રોજ તમામ હોસ્પિટલોને ફાયર NOC અને નિયમોનું પાલન કરવા માટે જાહેર નોટિસ પણ આપવામાં આવી હતી. જે મુજબ 15 દિવસમાં નિયમોનું પાલન કરવાનું હતું.

અમદાવાદ શ્રેય કોવિડ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ ફાયર NOCનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કાર્યવાહીની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. શ્રેય હોસ્પિટલમાં આગની દુર્ઘટનાને લીધે 8 લોકોના મોત નીપજ્યાં હતા.

(5:21 pm IST)