Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

સુરતના કાપડબજારમાં ત્રણ વેપારી સાથે છેતરપિંડીની બે ઘટનામાં 23.33 લાખની ઠગાઈ થતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

સુરત: શહેરના કાપડબજારમાં ત્રણ વેપારી સાથે છેતરપિંડીની બે ઘટનામાં રૂ.23.23 લાખની ઠગાઈ સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાઈ છે. રાજસ્થાનના વેપારીએ સુરતના દલાલ મારફતે સુરતના વેપારી પાસે રૂ.15.37 લાખનું કાપડ મંગાવી પેમેન્ટ કર્યું નહોતું. જયારે ઉત્તરપ્રદેશના શહાની પરિવારે સુરતના બે વેપારી પાસેથી રૂ.7.86 લાખની સાડી મંગાવી પેમેન્ટ કર્યા વિના દુકાન બંધ કરી દીધી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સીટીલાઇટ રોડ અગ્રસેન ભવન પાસે સૂર્ય રેસિડન્સી સી/608 માં રહેતા અને રીંગરોડ ન્યુ ટેક્ષટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરતા 34 વર્ષીય અંકિતભાઈ રામઅવતાર અગ્રવાલ પાસેથી રીંગરોડ જાપાન ટેક્ષટાઈલ માર્કેટમાં ઓફિસ ધરાવતા દલાલ રાકેશ સીંગલા મારફતે રાજસ્થાનના અલવર સિધ્ધપુરા ચૂડી માર્કેટમાં બાબુલાલ સુરેશચંદના નામે કાપડનો વેપાર કરતા બાબુલાલે ગત ડિસેમ્બર 2015 થી જૂન 2017 દરમિયાન કુલ રૂ.15,36,845 નું કાપડ ખરીદ્યું હતું. 

જોકે, નિર્ધારીત સમયમર્યાદામાં પેમેન્ટ નહીં ચૂકવી થાય તે કરી લેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી બાદમાં ફોન ઉપાડવાનું બંધ કરનાર વેપારી બાબુલાલ અને દલાલ રાકેશ વિરુદ્ધ અંકિતભાઈએ ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

છેતરપિંડીની બીજી ઘટનામાં સુરતના ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક સર્જન રો હાઉસ ઘર નં.15 માં રહેતા અને રીંગરોડ રઘુકુળ ટેક્ષટાઇલ માર્કેટમાં સાડીનો વેપાર કરતા 41 વર્ષીય પવનકુમાર પરમાત્માપ્રસાદ પાંડે પાસેથી તેમજ તે જ માર્કેટમાં સાડીનો વેપાર કરતા રાકેશકુમાર પાંડેય પાસેથી ઉત્તરપ્રદેશના બરેલીમાં રાજ અભિષેક સિન્થેટીક્સના નામે વેપાર કરતા રાધા શાહની, અભિષેક સંજીવ શાહની અને સંજીવ શાહનીએ ગત માર્ચથી જુલાઈ 2019 દરમિયાન કુલ રૂ.7,85,810 ની સાડી મંગાવી હતી.

(5:12 pm IST)