Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમદાવાદ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં ભરખમ વધારો:વટામણ-બગોદરા હાઇવે નજીક બંધ ટ્રકની પાછળ કાર ઘુસી જતા ત્રણ શખ્સોના મોત

અમદાવાદ:જીલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે ત્યારે વટામણ-બગોદરા હાઈવે પર આવેલ એક હોટલ પાસે બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં કારમાં સવાર ત્રણ વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં જે અંગે મૃતકના પરિવારજનોએ બગોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ દાહોદ જીલ્લાના પાનમ ગામમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો કાઠીયાવાડમાં મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે હાલમાં યોજાનાર તાલુકા અને જીલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાને લઈ મજુરોને મતદાન કરવા વતન પરત લાવવાના હોય ફરિયાદી તેનુભાઈ જુવાનસિંહ ડામોર રહે.પનામ દાહોદવાળા તથા અન્ય ૬ થી ૭ શખ્સો કાર લઈને નીકળ્યા હતા તે દરમ્યાન વટામણ બગોદરા હાઈવે પર મેમર ગામ પાસે આવેલ એક હોટલ પાસે વહેલી સવારના અરસામાં વાહનોને અડચણરૂપ થાય તે રીતે કોઈપણ આડસ કે સાઈડ સીગ્નલ ચાલુ ન હોય તેમજ કોઈપણ રીફલેકટર પણ લગાવેલ ન હોય તેવી હાલતમાં બંધ ટ્રક પાછળ કાર ઘડકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓ (૧) રમણભાઈ લસુભાઈ પરમાર ઉ.વ.૩૬ (૨) વિનુભાઈ સબુરભાઈ વાખલા ઉ.વ.૨૫ બંન્ને રહે.ભુવેરો દાહોદ તથા (૩) ગોપાલભાઈ પોપટભાઈ વાખલા ઉ.વ.૨૬ ગામ પીપરગોટા દાહોદવાળાને ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજ્યાં હતાં. ત્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ (૧) રમેશભાઈ સબુરભાઈ ડામોર (૨) ભરતભાઈ સુમલાભાઈ ડામોર તથા (૩) વાલસીંગભાઈ પાગલાભાઈ વાખલાને ઈજાઓ પહોંચતાં સારવાર અર્થે બગોદરા ૧૦૮ એમ્બ્યુલન્સના ઈએમટી હિંમત ચાવડા તથા પાયલોટ પ્રદ્યુમન ઘુમડ દ્વારા સારવાર અર્થે હોસ્પીટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યારે આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતાં અને વાહનોની લાંબી કતારો લાગી જવા પામી હતી. જ્યારે આ બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી જ્યારે અકસ્માતમાં ત્રણ વ્યક્તિના મોતથી પરિવારજનો સહિત સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.

(5:07 pm IST)