Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

અમદાવાદનો આજે સ્થાપના દિવસ : 601મુ વર્ષ બેઠું : હવે કર્ણાવતી નામકરણ થવાનો ઇન્તજાર

કોટ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તારની શાન ગણાતા દરવાજાઓ આજે પણ અડીખમ: શહેરના ભવ્ય ભૂતકાળની યાદને તાજી

અમદાવાદ: એક સમયે ગુજરાતની રાજધાની રહેલું અમદાવાદ શહેર આજે 610 વર્ષનું થઈ ગયું છે. જો કે શહેરના સ્થાપના દિનને લઈને અલગ-અલગ મત પ્રવર્તે છે. જો કે ઈતિહાસકાર મિરાત-એ-અહમદી દ્વારા લખવામાં આવેલા પુસ્તકમાં ઈસ્લામિક કેલેન્ડરના હિસાબે 26 ફેબ્રુઆરી 1411 ના રોજ અમદાવાદ શહેરની સ્થાપના કરવામાં આવી હતી.

સાબરમતી નદીને કાંઠે વસેલું અમદાવાદની ગણના આજે દેશના મુખ્ય ઓદ્યોગિક શહેરોમાં થાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ પણ અમદાવાદ શહેર આઝાદીની ચળવળનું મુખ્ય કેન્દ્ર પણ રહ્યું છે, કારણ કે મહાત્મા ગાંધીએ અહીં સાબરમતી આશ્રમની  સ્થાપના કરી. જે બાદ સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા અનેક આંદોલનોની અહીંથી જ શરૂઆત થઈ હતday

અમદાવાદ શહેરને યૂનેસ્કો તરફથી વર્લ્ડ હેરિટેજ સિટીના ખિતાબથી સમ્માનિત કરવામાં આવ્યું છે. સાબરમતી નદીના કિનારે આવેલ સાબરમતી આશ્રમ અમદાવાદમાં સૌથી વધુ જોવામાં આવતા પર્યટન સ્થળોમાંથી એક છે. યુનેસ્કો પાસેથી વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવ્યા બાદ સમગ્ર વિશ્વમાં અમદાવાદની આગવી ઓળખ ઉભી થઈ છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નિર્માણ પણ આજ અમદાવાદ શહેરમાં થયું છે.

જૂની કહેવત છે કે, “જબ કૂત્તે પે સસ્સા આયા તબ બાદશાહને અહમદાબાદ બસાયા”. અમદાવાદ સાથે આ કહેવત વર્ષોથી જોડાયેલી છે. ઇ.સ. 1411માં સુલતાન અહમદ શાહે અમદાવાદ શહેર વસાવ્યું હતું. અહમદશાહે જ્યારે અમદાવાદ શહેર વસાવ્યું હતું, ત્યારે શહેરમાં એક ડઝન દરવાજા હતા અને તેની ફરતે કોટ હતો. આમ કોટની વચ્ચે અમદાવાદ કેદ હતું. જો કે સમય જતા અમદાવાદનો વિકાસ કિલ્લા પૂરતો નહીં રહેતા ચો તરફ ફેલાયો.

 

જેના પરિણામે આજે અમદાવાદના બે ભાગ થયા છે જેમાં જૂનુ અમદાવાદ એટલે કે શહેરનો કોટ વિસ્તાર અને નવું અમદાવાદ એટલે કે પશ્ચિમ વિસ્તાર. અમદાવાદની શાન ગણાતા દરવાજાઓ આજે પણ અડીખમ ઊભા રહીને શહેરના ભવ્ય ભૂતકાળની યાદને તાજી કરાવે છે.

 

અમદાવાદ શહેરનું નામ પણ આગામી દિવસોમાં બદલાઈ શકે છે. અમદાવાદ શહેરનું નામ બદલીને કર્ણાવતી શહેર રાખવાની ચર્ચા છેલ્લા ઘણાં સમયથી થઈ રહી છે. તાજેતરમાં શહેરમાં આવેલા સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરાનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવામાં આવ્યું છે. ગુજરાતમાં જ્યારે-જ્યારે પણ ચૂંટણી આવવાની હોય, ત્યારે અવાર નવાર અમદાવાદ શહેરનું નામ બદલવાની માંગ સતત ઉઠતી રહી છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ અગાઉ અનેક વખત અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની પેરવી કરી ચૂક્યા છે

1987માં ભારતીય જનતા પાર્ટીએ અમદાવાદ મહાનગરપાલિકામાં સત્તા સંભાળી હતી. તે સમયે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો મુદ્દો ચગ્યો હતો, તે પછી ભાજપના સત્તાધીશોએ વર્ષ 1990ના મે મહિનામાં અમદાવાદનું નામ બદલી કર્ણાવતી કરવાનો ઠરાવ મંજૂર કરી રાજ્ય સરકારને મોકલી આપ્યો હતો. AMCના ઠરાવને રાજ્ય સરકારે મંજૂરી આપી હતી અને તેના સમર્થનમાં 1995માં ઠરાવ કરાયો હતો જેમાં અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની દરખાસ્ત કરવામાં આવી હતી. વર્ષ 2004માં કેન્દ્રમાં ભાજપના નેતૃત્વવાળી NDA સરકાર હતી, જેને અમદાવાદનું નામ કર્ણાવતી કરવાના ઠરાવને પરત મોકલ્યો હતો. 34 વર્ષથી અમદાવાદનું નામ કર્ણાવતી કરવાનો વિવાદ ચાલી રહ્યો છે.

(3:22 pm IST)