Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજયના રસ્તાઓનું ૩૬૦૦ કરોડના ખર્ચથી રિસરફેસીંગ

માર્ગ અને મકાન વિભાગને ૧૦૨૦૦ કરોડ : અમદાવાદ-બગોદરા-રાજકોટના ૨૦૧ કિલોમીટર માર્ગને ૨૮૯૩ કરોડના ખર્ચે છ માર્ગીય કરવાની કામગીરી જારી

અમદાવાદ, તા.૨૬ : રાજયના બજેટમાં  માર્ગ અને મકાન વિભાગ માટે કુલ રૂ.૧૦,૨૦૦ કરોડની જોગવાઈ કરાઇ છે, જેમાં સાત વર્ષ કે તેથી વધુ સમય સુધી રીકાર્પેટ ના થયા હોય તેવા બાકી રહેતા ૧૫૦ તાલુકાના ૨૪૯ રસ્તાઓની ૧૧, ર૦૦ કિલોમીટર લંબાઇના રસ્તાઓનું રિસરફેસીંગ રૂ.૩૬૦૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવશે. જેમાં ૫૦૦ કિલો મીટર લંબાઈના પ્લાન તેમજ નોનપ્લાન ગ્રામ્ય માર્ગોનો પણ સમાવેશ થાય છે, જે માટે રૂ.૧૪૩૬ કરોડની જોગવાઇ કરાઇ હોવાનું નાણાંમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજયમાં કેટલાક પુલો દાયકાઓ જૂના છે, સરકાર દ્વારા જરૂરી સર્વે બાદ નબળા કે જર્જરિત જણાયેલ પુલોનું મજબૂતીકરણ કે પુન : બાંઘકામ કરવામાં આવશે આ માટે આ વર્ષે રૂ.૮૦ કરોડની જોગવાઈ કરાઇ છે. વળી, વારંવાર અકસ્માત થતા હોય તેવા રસ્તાઓનું વૈજ્ઞાનિક પદ્ધતિથી સેફટી ઓડિટ કરાવી, જરૂરિયાત મુજબના તાંત્રિક સુધારા કરવાથી અકસ્માત થતા અટકાવી શકાય તેથી આ કામગીરી માટે પ્રાથમિક તબક્કે રૂ.૨૬ કરોડની જોગવાઈ થઇ છે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ત્રીજા તબક્કાની કામગીરી પણ શરૂ થનાર છે જેમાં રાજ્યના ૩૦૦૦ કિલો મીટરના ગ્રામ્ય માર્ગોને પહોળા કરવાની કામગીરી રૂ.૧૮૦૦ કરોડની અંદાજિત કિંમતે હાથ ધરવાનું આયોજન છે .

       જે અંતર્ગત વિવિધ કામો માટે રાજ્યના ફાળા તરીકે પ્રારંભિક રૂ.૧૦૦ કરોડની જોગવાઈ કરાઇ છે. તો, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના માટે રૂ.૨૫૦૦ કરોડની જોગવાઇ જે પૈકી બહારના રસ્તાઓના બાંધકામ અને સુધારણા માટે રૂ.૧૧પ૯ કરોડ, અન્ય જિલ્લા માર્ગો , મુખ્ય જિલ્લા માર્ગો અને થ્રુ રૂટને પહોળા કરવાની કામગીરી માટે રૂ.૨૯૧ કરોડ, હયાત કોઝવે , ડીપ, સાંકડા નાળાને સ્થાને ઊંચા પુલોના બાંધકામ માટે રૂ.૨૮૬ કરોડ, ખૂટતી કડી તથા ખૂટતા નાળાના બાંધકામ માટે રૂ.૧૨૦ કરોડ, મહાનગરો , બંદરો , ઔદ્યોગિક વિસ્તાર , પ્રવાસન તથા યાત્રાધામોને જોડતા ૧૫૩૪ કિલોમીટરના ૬૩ રસ્તાઓના અનુભાગોને ફોર - લેન બનાવવાની કામગીરી રૂ ૨૯૬૩ કરોડના ખર્ચે કરવાનું આયોજન હાથ ધરાયું છે.

    આ સિવાય રૂ.૧૨૦૬ કરોડની અંદાજિત રકમનાં ૪૧ નવા પુલોની કામગીરી પ્રગતિમાં છે તો, વિશ્વ બેન્ક સહાયિત યોજના અંતર્ગત રાજ્ય ધોરીમાર્ગોને પહોળા, મજબૂત તથા નવીનીકરણની કામગીરી રૂ ૧૯૩૮ કરોડના ખર્ચે પ્રગતિમાં છે, જેમાં અમદાવાદ - બગોદરા - રાજકોટના ૨૦૧ કિલો મીટર રસ્તાને રૂ.૨૮૯૩ કરોડના ખર્ચે છ માર્ગીય કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. તો, સરખેજ - ગાંધીનગર હાઈવેને રૂ.૮૬૭ કરોડના ખર્ચે છ માર્ગી કરવાની કામગીરી પ્રગતિમાં છે. એક લાખ ટ્રેન વ્હીકલ યુનિટથી વધુ ટ્રાફિક હોય તેવા રેલવે ક્રોસિંગ ઉપર રેલવે અને રાજ્ય સરકારની ભાગીદારીથી ઓવરબ્રીજ બાંધવાની કામગીરી પ્રગતિમાં છે તો, ડી . એફ.સી.સી. રૂટ સહિત રેલવે ક્રોસિંગ ઉપર ૭૨ ઓવર બ્રીજના કામો પ્રગતિ હેઠળ છે . જયારે રૂ.૩૪૦૦ કરોડના ખર્ચે નવીન ૬૮ રેલવે ઓવરબ્રીજ મંજૂર કરવામાં આવ્યા છે. તો, પાંચ તાલુકા સેવા સદનો , ૧૮ વિશ્રામગૃહો કે અતિથિગૃહો તેમજ અન્ય વિભાગના ર૪પ કામો રૂ.રપ૩૪ કરોડના ખર્ચે હાથ ધરાયું છે.

(10:14 pm IST)