Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

૧૭ લાખ ઘરમાં નળથી પીવાનું પાણી આપવા માટેની જાહેરાત

બજેટમાં નીતિન પટેલ દ્વારા જાહેરાત કરાઈ : હર ઘર જલની નીતિની જાહેરાત થઇ : બાકી ઘરમાં પીવાનું પાણી પૂરું પાડવા ૭૨૪ કરોડની કરાયેલી જંગી ફાળવણી

અમદાવાદ, તા.૨૬ : નાણામંત્રીએ બજેટમાં હર ઘર જલની નીતિની જાહેરાત કરતાં જણાવ્યું કે, ભાજપ સરકારે શુદ્ધ અને પર્યાપ્ત પીવાનું પાણી પૂરું પાડવા રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડ દ્વારા ૧૩,૩૦૦ થી વધુ ગામો અને ૨૦૩ શહેરી વિસ્તારો જોડવાની કામગીરી પૂર્ણ કરી છે. ખાસ કરીને, ગ્રામીણ વિસ્તારોમાં ૭૮ ટકા ઘરોમાં નળ જોડાણની સિદ્ધિ હાંસલ કરેલ છે. જલ જીવન મિશન અંતર્ગત હર ઘર જલના સૂત્ર સાથે વર્ષ ૨૦૨૨ સુધીમાં રાજયના બાકી રહેતા ૧૭ લાખ ઘરોમાં નળ જોડાણ દ્વારા પીવાનું પાણી પૂરું પાડવાનું આયોજન હાથ ધરાયું , જે માટે રૂ.૭૨૪ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી ત્રણ વર્ષમાં ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના ગામોને પાણીના સરફેસ સોર્સ આધારિત જૂથ પાણી પુરવઠા યોજનાના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કરાયું છે.

          સ્વતંત્ર પાણી પુરવઠા યોજનાવાળા ગામોને જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ આવરી લેવા આગામી ત્રણ વર્ષ માટે રૂ ૯૩૦૦ કરોડનું આયોજન કરાયું છે , જેના થકી ૪૬૩૫ ગામોની સવા કરોડ વસ્તીને લાભ થશે, જેનો લાભ ૨૨૦૦ ગામોના ૫૦ લાખ આદિવાસી નાગરિકોને પણ મળશે. નલ સે જલ અભિયાન અંતર્ગત ઘરે ઘરે પાણી પહોચાડવા ફળિયાઓને મુખ્ય ગામના સમ્પથી જોડવાનું, ફળિયા તેમજ ગામ ખાતે જરૂરિયાત મુજબની સંગ્રહ ક્ષમતા ઊભી કરવા આગામી બે વર્ષમાં રૂ ૧૦૦૦ કરોડના કામો હાથ ધરવામાં આવશે, જેના થકી આશરે ૮૦૦૦ ફળિયાઓ મુખ્ય ગામોથી જોડાશે. ઉપરાંત, સૌરાષ્ટ્ર અને કચ્છ માટે પાણીની ભવિષ્યની જરૂરિયાતને પહોંચી નાવડા, બોટાદ,ગઢડા, ચાવંડ, બુઘેલ બોરડા, ધરાઈ અને લાઠી બલ્ક પાઇપલાઇનના કુલ રૂ.૧૪૦૦ કરોડના કામો શરૂ કરવામાં આવશે.  

        જે માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. આ જ પ્રકારે આદિજાતિ વિસ્તારના મહીસાગર, અરવલ્લી, તાપી , પંચમહાલ , દાહોદ તથા નર્મદા જિલ્લાની કુલ ૨૨ લાખ વસ્તીને સમાવેશ કરતી રૂ.૧૭૦૦ કરોડની  ૮ જૂથ પાણી પુરવઠા યોજનાઓ પૂર્ણતાના આરે છે. આદિજાતિ વિસ્તાર પેટા યોજના હેઠળ પાણી પુરવઠાના કામો માટે રૂ.૮૫૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. તો, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં જળસલામતી પ્રદાન કરવા માટે કચ્છના માંડવી, દ્વારકા, ગીર સોમનાથ , ઘોઘા અને તેની આજુબાજુના વિસ્તારમાં ૨૭ કરોડ લીટર ક્ષમતાના ડીસેલીનેશન પ્લાન્ટ સ્થાપવાની કામગીરી હાથ ધરાઇ છે. આગામી બે વર્ષ દરમિયાન આ પ્લાન્ટના કેપિટલ ફાળા તરીકે રૂ.૧૦૮૦ કરોડની ફાળવણી કરવામાં આવશે. ગાંધીનગર શહેરમાં ૨૪ કલાક પાણી વિતરણ કરવા રૂ.૨૪૦ કરોડની યોજનાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

(10:00 pm IST)