Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મુખ્યમંત્રી રૂપાણી દ્વારા અપાયું કોમનમેનની ચિંતા કરતું ઐતિહાસિક બજેટ!: માનવિય અભિગમથી છલોછલ ગુજરાતનું અંદાજપત્ર

બાંધકામ શ્રમિકો માટે આરોગ્ય રથ, તેમની પત્નીને પ્રસૂતિ માટે 27500: અગરિયાઓના સંતાનો માટે રણમાં આંગણવાડી, પાંજરાપોળ અપગ્રેડ માટે 100 કરોડ: શહેરોમાં 10 હજારની વસતિ દીઠ અર્બન હેલ્થ સેંટર્સ! :વૃદ્ધાશ્રમોની ગ્રાન્ટમાં વધારો, મૂક-બધિરોએ હવે ગ્રેજ્યુએશન માટે બીજા રાજ્યોમાં જવું નહિ પડે, નવી વેટરનરી કૉલેજ ખુલશે, પશુ દવાખાના શરૂ થશે

અમદાવાદ : બજેટ એટલે રૂપિયો ક્યાંથી આવશે અને ક્યાં જશે તમાકુ ઉત્પાદનો પર વધુ ટેક્સ અને શું સસ્તું થશે, શું મોંઘું બનશે આપણે ત્યાં આવી જ ધારણા છે. પરંતુ કોઈ સંવેદનશીલ શાસક સત્તાસ્થાને બિરાજમાન હોય તો બજેટમાં એવી તાકાત હોય છે કે, લોકોનાં જીવનમાં એ આમૂલ પરિવર્તન આણી શકે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કપ્તાનીમાં તૈયાર થયેલું અને આજે રજૂ થયેલું ગુજરાતનું આ વર્ષનું બજેટ આવું જ ક્રાંતિકારી છે. તેમાં અનેક એવી જોગવાઈઓ છે, જે તેને પરંપરાગત બજેટથી અનેકગણું સ્પેશિયલ બનાવે છે.

 નવી આંગણવાડીની ઘોષણા તો ઘણી વખત આપણે સાંભળી છે. પણ, રણ વિસ્તારમાં આંગણવાડી વિશે ક્યારેય સાંભળ્યું નથી. આ બજેટમાં તેની વ્યવસ્થા કરવામાં આવી છે. દુર્ગમ વિસ્તારમાં રોજીરોટી રળતાં અગરિયાઓનાં સંતાનો શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે આ જોગવાઈ કરવામાં આવી છે. માછીમારોને સેફટી સાધનો લેવા માટે 50% સબસિડી હવે મળશે, તેવું બજેટમાં કહેવાયું છે. બધી જ પાંજરાપોળ અપગ્રેડ કરવા, વધુ સુવિધાસભર બનાવવા પણ 100 કરોડની સહાય અપાશે. ગાય દીઠ પશુપાલકોને દર વર્ષે નિભાવ માટે મહિને 900 રૂપિયા, વર્ષે 10800 રૂપિયા અપાશે

  રાજ્યમાં ચાર નવી વેટરનરી કોલેજ બનશે અને દસ ગામ દીઠ એક પશુ દવાખાનું બનાવાશે. કદાચ પ્રથમ વખત પશુદાણ માટે પણ સહાયની જોગવાઈ કરવામાં આવી છે. શહેરોમાં દસ હજારની વસતિ દીઠ એક આરોગ્ય કેન્દ્ર બનશે. વૃદ્ધાશ્રમમાં રહેતા વડીલો માટેની ગ્રાન્ટની રકમ માસિક 1500 છે, એ વધારી ને 2160 રૂપિયા કરવામાં આવી છે.

  ગુજરાતમાં પ્રથમ વખત "બેચલર ઑફ ઓડિયોલોજી સ્પીચ એન્ડ લેંગ્વેજ઼" નામનો કોર્સ અમદાવાદમાં શરૂ થશે, જેને લીધે મૂક-બધિર લોકોને લાભ થશે. આ કોર્સમાં મૂક-બધિર લોકોની ખાસ ભાષા શીખવવામાં આવે છે. મૂક-બધિર માટે અત્યારે ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ જ રાજ્યમાં ઉપલબ્ધ છે, કોલેજનું શિક્ષણ લેવા તેમણે બીજા રાજ્યમાં જવું પડે છે. હવે તેમની વિશિષ્ટ કૉલેજ ગુજરાતમાં જ બનાવવાની બજેટમાં જોગવાઈ કરાઈ છે. તેમને કોકલિયર ઈંપ્લાન્ટ કરવાનાં સેંટર્સ શરૂ કરવા 2 કરોડ રૂપિયા ફાળવાયા છે

  માનસિક દિવ્યાંગો માટેની સહાયની રકમ વાર્ષિક 600થી વધારી ને 1000 કરવામાં આવી છે. બાંધકામ શ્રમિકો અને તેમનાં પરિવાર માટે રાજ્યમાં 16 આરોગ્ય રથ શરૂ કરવાની પણ જાહેરાત થઈ છે. આ મોબાઈલ દવાખાના બાંધકામ શ્રમિકોનાં વિસ્તારમાં જઇ ને તેમની સારવાર કરશે. બાંધકામ શ્રમિકોની પત્નીને પ્રસૂતિ માટે રૂપિયા 27500 જેવી મોટી રકમની સહાય આપવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. આમ આ બજેટમાં જ્યાં જુઓ ત્યાં માનવિય અભિગમ દ્રશ્યમાન થાય છે. ખરા અર્થમાં આ બજેટ પર CM રૂપાણીનો સ્પર્શ દેખાય છે.

(9:23 pm IST)