Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

મહિલા-બાળ વિકાસના ક્ષેત્રે ૩,૧૫૦ કરોડની ફાળવણી

આંગણવાડી કામગીરી માટે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર : શહેરી વિસ્તારોમાં પ૦૦ આંગણવાડીઓના નિર્માણ માટે ૩૫ કરોડ : આશાવર્કરો અને એએનએમને રોકડ પુરસ્કાર

અમદાવાદ, તા.૨૬ :  નાણાંમંત્રી દ્વારા બજેટમાં મહિલા અને બાળ વિકાસ માટે રૂ.૩૧૫૦ કરોડની ફાળવણી કરી છે અને તેમાં ખાસ કરીને આંગણવાડી અને તેમાં કામ કરતી આશાવર્કર બહેનો માટે પણ મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, પોષણ અભિયાન અંતર્ગત રૂ.૫૫ કરોડના ખર્ચે પ૩૦૨૯ આંગણવાડીમાં સ્માર્ટ ફોન અને ગ્રોથ મોનિટરીંગ ડિવાઇસ આપવામાં આવ્યા છે , જેના કારણે ૧૧ જેટલાં રજિસ્ટરોના સ્થાને સમગ્ર કામગીરી સ્માર્ટ ફોન વડે ડિજિટલી કરવામાં આવે છે. આ કામગીરીના મોનિટરીંગ અને માર્ગદર્શન માટે અંદાજે રૂ. ૨ કરોડના ખર્ચે સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. જેને વધુ સુદઢ કરવા પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવશે.

        આ સિવાય, પોષણ અભિયાન અંતર્ગત ૧૦૦ ટકા સુપોષિત આંગણવાડીની સિદ્ધિ હાંસલ કરનાર પાયાના કર્મચારીઓને પોષણ ત્રિવેણી પ્રોત્સાહન પુરસ્કાર આપવામાં આવશે. આ અંતર્ગત આંગણવાડી વર્કર અને તેડાગરને અનુક્રમે રૂ. ૧૨,૦૦૦ અને રૂ.૬ ,૦૦૦ તેમજ પોતાના કાર્યક્ષેત્રની તમામ આંગણવાડી સુપોષિત ફરનાર પ્રત્યેક આશા વર્કર એ એ.એન.એમ. ને રૂ ૧૨, ૦૦૦નો પુરસ્કાર આપવામાં આવશે જે માટે રૂ.૮ કરોડની જોગવાઈ કરાઇ છે. તદુપરાંત, શહેરી વિસ્તારોમાં પ્રતિ આંગણવાડી રૂ.૭ લાખ મુજબ પ૦૦ આંગણવાડી કે બાંધકામ માટે રૂ.૩૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

       સુરેન્દ્રનગર જિલ્લાના ૧૫૦૦ જેટલા અગરિયા કુટુંબો માટે રણ આંગણવાડી ચાલુ કરવામાં આવશે. અમદાવાદ , સુરત , વડોદરા અને રાજકોટ જિલ્લાઓની મધ્યસ્થ જેલોમાં મીની આંગણવાડીઓ શરૂ કરવામાં આવશે. ગંગા સ્વરૂપમાં આર્થિક સહાય યોજના હેઠળ અંદાજિત ૫ લાખ લાભાર્થી વિધવા બહેનોને સહાય આપવા માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઈ કરાઇ છે. બેટી બચાવો બેટી ભણાવોને પ્રોત્સાહન આપતી લોકપ્રિય વ્હાલી દીકરી યોજના માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ  કરાઇ છે જયારે ૧૮૧ - અભયમ મહિલા હેલ્પ લાઈન અંતર્ગત મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ બહેનોને મદદ કરવા અને જરૂરિયાતમંદ બહેનો અને દીકરીઓનું કાઉન્સેલીંગ કરવા રૂ ૧૨ કરોડની જોગવાઇ ઉમેરાઇ છે. આ સિવાય,  દૂધ સંજીવની યોજના આંગણવાડી અને પ્રાથમિક શાળાના બાળકો , ધાત્રી માતાઓ સહિત અંદાજિત ૩૦ લાખ લાભાર્થીઓને દૂધ સંજીવની યોજના મારફત ફ્લેવર્ડ દૂધ પૂરું પાડવા માટે કુલ રૂ.૩૪૨ કરોડની જોગવાઈ કરાઇ છે. આજે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું જેમાં જુદા જુદા ક્ષેત્રને આવરી લેતી શ્રેણીબદ્ધ જાહેરાતો કરવામાં આવી હતી.

(9:05 pm IST)