Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

વેપારી, કલાસીસ સહિતના વેપારના વિજકરમાં ઘટાડો

બજેટમાં વિજકરમાં રાહતની નાણામંત્રીની ભેટ : વિજળી વપરાશ કરને ૨૫ ટકાથી ઘટાડીન્ ૨૦ ટકા કરાતાં ધર્મશાળાઓને પણ ફાયદો થશે : સરકાર પર બોજો વધશે

અમદાવાદ,તા. ૨૬ : વર્ષ ૨૦૨૦-૨૧ના ગુજરાત રાજયના બજેટમાં રૂપાણી સરકારે ગુજરાતને વીજવપરાશના કરમાં ઘટાડાની સૌથી મોટી ભેટ આપી છે. સરકારે વીજકર મામલે ઘટાડાનો નિર્ણય લેતાં લાખો લોકોને આ બાબતની સીધી અસર થશે. ગુજરાતમાં અનેક મહત્વના મંદિરો છે. જેમાં આવતા ભક્તો માટેની ધર્મશાળાઓમાં વીજવપરાશ કર અત્યારસુધીમાં ૨૫ ટકા હતો. જે બજેટમાં ઘટાડી દેવાયો છે. એચટી વીજજોડાણ ધરાવતી ધર્મશાળાઓ માટે ૧૫ ટકા અને એલટી વીજ જોડાણ ધરાવતી ધર્માશાળાઓએ ૧૦ ટકા વીજદર ભરવો પડશે. જેના પગલે ધર્મશાળાઓના ૧.૪૫ કરોડ રૂપિયા બચશે. આ ઉપરાંત રાજ્યમાં લાખો દુકાનદારો કરિયાણું, કાપડ, મેડિકલ સ્ટોર,હાર્ડવેર, કલર, પ્રોવિઝન સ્ટોર, કટલરી, બેકરી, સ્ટેશનરી, મોબાઈલ શોપ, ગેરેજ જેવા વ્યવસાયમાં જોડાયેલા છે.

      તેમની દુકાનો સ્ટોર શોપિંગ સેન્ટરમાં આવેલી છે. વધુમાં વકીલો, સીએ, ટ્રાવેલ એજન્સી, ટ્રાન્સપોર્ટ ઓફિસો, કોચીંગ ક્લાસ, ફોટો સ્ટુડિયો, બ્યુટી પાર્લર, સલુન માધ્યમથી સર્વિસ સેક્ટરમાં કાર્યરત છે. આ તમામ વ્યવસાયના સ્થળોના વીજ વપરાશ અત્યારસુધીમાં ૨૫ ટકા હતો. જે સરકારે ઘટાડીને ૨૦ ટકા કરી દીધો છે. આ લાભ રાજ્યના ૩૦ લાખ દુકાન કે ઓફિસ ધારકોને થશે. આ કર ઘટાડતાં સરકારને ૩૨૦ કરોડનો ફટકો પડશે. સરકારે ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી છે. હાલમાં કોલ્ડ સ્ટોરેજ પર ૨૦ ટકાના દરે વીજકર લાગુ કરવામાં આવે છે.

        રાજ્યના કૃષિ વિકાસમાં ખેડૂતોના આર્થિક હિતો જોડાયેલા હોવાથી કોલ્ડ સ્ટોરેજ જેવી સવલતોને ધ્યાને લેતાં સરકારે વધુ રાહત આપી છે. હાલમાં કોલ્ડસ્ટોરેજ પર લાગતો વીજકર ઘટાડીને ૧૦ ટકા કરી દેવાયો છે. જેને પગલે સરકારેને ૩.૬૦ કરોડનો ફટકો પડશે. રાજ્યમાં જઆવેલા મંદિરો, મસ્જિદો, ચર્ચ, ગુરૂદ્વારા, દેરાસર કે અગિયારી જ્યાં પૂજા અને પ્રાર્થના કે નમાજ પઢવામાં આવતી હોય તેમજ દેરી, સમાધિ, સ્મશાનગૃહ અને કબ્રસ્તાન જેવા વીજ વપરાશ પર ૨૫ ટકા વીજકર હતો. જે બાબતે સાધુ સંતોની રજૂઆતોને અંતે સરકારે ગ્રામ વિસ્તારમાં ૭.૫ ટકા અને શહેરી વિસ્તારમાં આ કર૧૫ ટકા કરી દીધો છે. સરકારના આ નિર્ણયને પગલે ૧૦,૫૦૦ ધાર્મિક સ્થળોને ફાયદો થશે. જે મહત્વનો નિર્ણય મનાઇ રહ્યો છે.

(9:00 pm IST)