Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પશુદાણની ખરીદી ઉપર ૫૦ ટકાની મદદ સરકાર આપશે

પશુપાલકો માટે પશુદાણ સહાય યોજનાની જાહેરાત : ગુજરાતભરની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ૧૫ લાખ સભાસદ પશુપાલકોને યોજનાનો લાભ મળશે : નાણામંત્રી

અમદાવાદ, તા.૨૬ : નીતિન પટેલે ગૃહમાં પશુપાલકો માટે પશુદાણ સહાય યોજનાની મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત પશુપાલન ક્ષેત્રમાં અને સહકારી ડેરીઓ દ્વારા દૂધ એકત્ર કરી , મૂલ્યવર્ધન કરી પશુપાલકોને દૂધના વ્યાજબી ભાવ આપવામાં અગ્રેસર છે. ખેતીની આવક સાથે પશુપાલનની આવક પણ ગ્રામ્ય અર્થતંત્રમાં મહત્ત્વનો ફાળો આપે છે. રાજયના લાખો પશુપાલકોની સહાય માટે મુખ્યમંત્રી પશુદાણ સહાય યોજનાની જાહેરાત કરતાં નાણાંમંત્રીએ જણાવ્યુ કે, આ યોજના હેઠળ દરેક પશુપાલકને તેમના એક ગાય કે ભેંસ દીઠ, એક પશુના વિયાણ દરમિયાન એક માસ માટે કુલ ૧૫૦ કિલોગ્રામ પશુદાણની ખરીદી પર પ૦ ટકા રકમની સહાય આપવામાં આવશે. જેથી દૂધાળા પશુઓને પૌષ્ટિક આહાર મળશે. રાજ્યની દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના અંદાજિત ૧૫ લાખ સભાસદ પશુપાલકોને આ યોજનાનો લાભ મળશે . જે માટે કુલ રૂ.૨૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

         તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગાયોની સાર સંભાળ માટે પાંજરાપોળના માધ્યમથી અનેક સંસ્થાઓ રાજયમાં કાર્યરત છે . સારા નરસા વર્ષોમાં ગુજરાતની ગૌધનને બચાવવામાં આ સંસ્થાઓનું યોગદાન મોટું છે. આવી સંસ્થાઓને પગભર કરવા મદદરૂપ થવા એક નવી યોજનાની જાહેરાત કરતા હું આનંદની લાગણી અનુભવું છું . આ યોજના હેઠળ રજિસ્ટર્ડ પાંજરાપોળોને અપગ્રેડ કરવા એક વખતની સહાયરૂપે ગાયો માટે શેડ , ઘાસચારાના સંગ્રહ માટે ગોડાઉન , પાણી માટે ટ્યુબવેલની સુવિધા, સોલાર રૂફ ટોપની સ્થાપના, ઘાસચારાના પ્લોટમાં માઈક્રો ઈરીગેશન, સ્પ્રીંકલર જેવી માળખાકીય સુવિધાઓનો લાભ આપવામાં આવશ . જે માટે કુલ રૂ.૧૦૦ કરોડની જોગવાઇ કરાઇ છે. આ સિવાય, પશુપાલકોને ડેરી ફાર્મ, પશુ એકમ અને બકરા એકમ સ્થાપવાની યોજનાઓ અંતર્ગત સહાય આપવા રૂ.૮૧ કરોડની જોગવાઇ કરાઇ છે. રાજ્યભરમાં ૧૦ ગામ દીઠ એક પશુ દવાખાનાની સેવાઓ માટે રૂ.૩૫ કરોડની જોગવાઈ કરાઇ છે. હિંમતનગર નજીક રાજપુર નવા ખાતે નવીન વેટરનરી કોલેજ . મત્સ્યોદ્યોગ અનુસ્નાતક અભ્યાસ કેન્દ્ર , પશુ સારવાર સંસ્થાઓ અને ઘનિષ્ઠ પશુ સુધારણાની કચેરીઓના બાંધકામ તેમજ મરામત માટે રૂ.૪૩ કરોડની જોગવાઇ કરાઇ છે.

ગુજરાતની પ્રખ્યાત દેશી ગીર અને કાંકરેજ ગાયના સંવર્ધનની વિવિધ પ્રવૃતિઓ માટે રૂ.૩૨ કરોડની અને મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના માટે રૂ.૨૭ કરોડની જોગવાઈ કરાઇ છે. આપણી સંસ્કૃતિ જીવ દયામાં ખૂબ જ વિશ્વાસ ધરાવે છે . મંગા પશુપક્ષીઓની સારવાર માટે કરુણા એબ્યુલન્સ ૧૯૬૨ની સેવા ૩૧ શહેરોમાં શરૂ કરવામાં આવી છે. અમદાવાદ , વડોદરા , સુરત , રાજકોટ , ભાવનગર અને મહેસાણા શહેરમાં ઓ સેવા સુદઢ કરવા કુલ રૂ.૧૩ કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

(8:59 pm IST)