Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દેડીયાપાડામાં “બાળ લગ્ન એક અભિષાપ”વિષયક જન જાગૃત્તિ માટે સેમિનાર યોજાયો :

બાળ લગ્ન થવાથી બાળક અને સમાજ પર સામાજિક અને આર્થિક રીતે તેનું ખૂબ જ નુકસાન થાય છે -જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ-જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ-નર્મદાના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં દેડીયાપાડા તાલુકાની આદર્શ નિવાસી શાળામાં જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ સમાજ સુરક્ષા અધિકારી એસ.વી.રાઠોડ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમાર સહિત આશાબહેનોની હાજરીમાં “બાળ લગ્ન એક અભિષાપ”વિષયક જન જાગૃત્તિ સેમિનાર યોજાયો.

 આ પ્રસંગે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એસ.વી. રાઠોડ જણાવ્યું હતું કે સરકારની મહિલા શક્તિ કેન્દ્ર, વ્હાલી દિકરી, બેટી બચાવો બેટી પઢાવો યોજના જેવી અનેકવિધ યોજનાઓ અમલમાં છે જેની જાણકારી તમારી પાસે હશે અને તેનો લાભ પણ તમે લીધો હશે પરતું તેની સાથે બાળ લગ્ન ધારો-૨૦૦૬ ની જોગવાઇ, બાળ લગ્ન થવાથી બાળક અને સમાજ પર સામાજિક અને આર્થિક રીતે તેનું ખૂબ જ નુકસાન થતું હોવાની વાત દ્રષ્ટાંત ટાંકીને તેમણે રજુ કરી હતી. વધુમાં તેમણે કિશોરી સશક્તિકરણ અને બાળ મૃત્યુ દર તેમજ માતા મૃત્યુ દર કઇ રીતે અટકાવી શકાય તેના વિસ્તૃત માર્ગદર્શન સાથે જરૂરી જાણકારી પણ પૂરી પાડી હતી.

પ્રારંભમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ચેતન પરમારે તેમના સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી અને અંતમાં તેમણે આભારદર્શન પણ કર્યું હતું.

(6:35 pm IST)