Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

ગાંધીનગર નજીક અકસ્માતની ઘટનામાં ભરખમ વધારો:બસ ઝાડ સાથે ધડાકાભેર અથડાતા એકનું મૃત્યુ: દસ ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગાંધીનગર: શહેર અને આસપાસના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઈકાલે રાત્રે શીહોલી મોટીથી ર૦થી વધુ લોકો બસમાં બેસી રણુંજા દર્શન કરવા માટે નીકળ્યા હતા ત્યારે ગાંધીનગર નજીક રૂપાલ-નારદીપુર રોડ ઉપર બસ ઝાડ સાથે અથડાતાં તાલુકા પંચાયતના પૂર્વ સદસ્યનું સ્થળ ઉપર મોત નીપજયું હતું ત્યારે દસ જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જે સંદર્ભે પેથાપુર પોલીસે બસના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.

અંગે મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર શહેર નજીક આવેલા શિહોલી મોટી ગામના રોહિતભાઈ ગાભાજી ઠાકોર અને બાબુજી તખાજી ઠાકોરે રણુંજા સાથે રામદેવપીરના દર્શન કરવા જવાનું આયોજન કર્યું હતું અને ગામમાંથી લકઝરી બસમાં શિહોલી મોટી, સોનીપુર, ઈસનપુરના ર૦ જેટલા લોકોને લઈને દર્શન કરવા માટે નીકળ્યા હતા. રાત્રીના સમયે તેમની બસ રૂપાલ થઈ નારદીપુર તરફ જતી હતી ત્યારે વહાણવટી માતાના મંદિર નજીક બસના ડ્રાઈવરે સ્ટીયરીંગ ઉપર કાબુ ગુમાવતાં બસ ઝાડ સાથે અથડાઈ ગઈ હતી. જે અકસ્માતના કારણે બસમાં સવાર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય જુગાજી વરવાજી ઠાકોરને માથામાં ગંભીર ઈજાઓના કારણે તેમનું સ્થળ ઉપર મોત નીપજયું હતું. જ્યારે મોટી શિહોલી ગામના જુહાજી શિવાજી ઠાકોર, જયંતિભાઈ પ્રભુદાસ પ્રજાપતિ, ઉમેદજી મગનજી ઠાકોર, પોપટજી કાનાજી ઠાકોર, નાગરજી પુંજાજી ઠાકોર,ઈસનપુરના રણજીતજી કાળાજી ઠાકોર, સોનીપુરના રાજુ નરેશજી ઠાકોર તથા બસના કંડકટર ચરાડા ગામના નરેશ નાગજીભાઈ વણોલને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. અકસ્માતની ઘટનાના પગલે જુહાજી ઠાકોરની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે લકઝરી બસ નં.જીજે-૧૮-એઝેડ-૦૨૧૫ના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી

(5:39 pm IST)