Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

આત્મહત્યાનું કારણ વ્‍યકિતગત અને અલગ હોય છેઃ સ્ટીકર લગાવીને સરકારે ઓછા વરસાદનું કારણ દર્શાવ્યુઃ ગુજરાત વિધાનસભામાં ખેડૂતોની આત્મહત્યા મુદ્દે સરકારે જવાબ રજુ કરતા છબરડો

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રનો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ગૃહમાં કોંગ્રેસ દ્વારા ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ન પૂછાયો હતો. જેમાં મોટો છબરડો સામે આવ્યો છે.  કયા કારણસર ખેડૂતોએ આત્મહત્યા કરી તેના જવાબ પર સ્ટીકર મારવમાં આવ્યા છે. સરકારે ગૃહમાં જણાવ્યું કે, આત્મહત્યાનું કારણ વ્યક્તિગત અને અલગ હોય છે. તેમજ સ્ટીકર લગાવીને સરકારે ઓછા વરસાદનું કારણ દર્શાવ્યું.

બજેટ સત્રમાં ખેડૂતોની આત્મહત્યાનો પ્રશ્ન પૂછાયો હતો. રાજ્યના ખેડૂતોની આત્મહત્યાના પ્રશ્નોના જવાબમાં વિધાનસભામાં પ્રશ્નોત્તરીમાં કયા કારણસર આત્મહત્યા કરી તેવા તમામ પ્રશ્નોના જવાબ પર સ્ટીકર મારવાની ફરજ પડી હતી. સ્ટીકર પર સરકારનો જવાબ આત્મહત્યાનું કારણ વ્યક્તિગત અને અલગ અલગ હોઈ શકે તેવું જણાવ્યું છે. જ્યારે કે, સ્ટીકરની નીચે છપાયેલા જવાબમાં પાક નિષ્ફળ અને ઓછા વરસાદ દર્શવાયું છે. આમ, અધિકારીઓના સાચા જવાબને સરકારે છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. સરકારે સાચા કારણો બહાર ન આવે તે પ્રકારનો પ્રયાસ છે તે સ્પષ્ટ દેખાય છે. સરકાર જવાબો બહાર આવવા દેવા ન માંગતી હોવાથી આવા જવાબો આપ્યા છે.

સરકારે ગુજરાતમાં અલગ અલગ જિલ્લામાં ખેડૂતોની આત્મહત્યાના આંકડા જાહેર કર્યા છે. જે મુજબ, દેવભૂમિ દ્વારકા 2 વર્ષમાં 4 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જુનાગઢમાં છેલ્લા 2 વર્ષમાં 3 ખેડૂતોની આત્મહત્યા થઈ છે. પોરબંદર અને સાંબરકાંઠામાં એક-એક ખેડૂતોએ આત્મહત્યા કરી છે. સુરેન્દ્રનગરમાં 2 ખેડૂતઓ આત્મહત્યા કરી હતી. તો અમરેલી જિલ્લામાં પણ 2 ખેડૂતોએ આત્મહત્યા કરી છે. વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં 7 પ્રશ્નો ખેડૂતોની આત્મહત્યા અંગે પૂછાયા હતા. તે તમામ પ્રશ્નો કયા કારણસર આત્મહત્યા કરી તેના જવાબ પર સ્ટીકર મારવામાં આવ્યા હતા. આમ, સ્ટીકર મારતા જ સરકારની પોલ ખૂલી ગઈ હતી.

(5:09 pm IST)