Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

નર્મદાના નેચરલ વિલેજ ગ્રુપે અંતરિયાળ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા બાબતે કલેકટરને આવેદન આપ્યું

સ્ટેચ્યુ ઓફ યુનીટીનો ઝડપી વિકાસ: નજીક આવેલા ગામડાઓમાં આઝાદીના ૭૨ વર્ષ બાદ પણ પ્રાથમિક સુવિધાનો અભાવ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદાના નેચરલ વિલેજ ગ્રુપે જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા બાબતે રાજ્યપાલને સંબોધતું આવેદનપત્ર નર્મદા કલેકટરને આપ્યું હતું.

 આવેદનપત્રમાં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડિયા ખાતે બનાવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઝડપી વિકાસ થઈ રહ્યો છે પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક આવેલા ગામડાઓમાં આજે આઝાદીના ૭૨ વર્ષ પછી પણ પ્રાથમિક સુવિધાનો અભાવ છે.

  નર્મદાના દેડિયાપાડા તાલુકામાં આવેલા અંતરિયાળ ગામો જેવા કે કણજી, ડુમખલ ,માથાસર,વાંદરી,પાનખલા, સરીબાર ,ચોપડી ,કોકમ,વાઘ ઉંમર સહિતના ગામોમાં રસ્તા, ખેતી,સિંચાઈ તેમજ પીવાના પાણી,મોબાઈલ કનેટવિટી સહિત પ્રાથમિક સારવાર માટે આરોગ્ય કેન્દ્ર,આરોગ્યની ઇમરજન્સી સેવાઓ 108 ખિલ ખિલાટ,આંગણવાડી કેન્દ્રો,હોસ્ટેલ સહિત સ્કૂલો પશુ,પ્રાણીઓની ઇમરજન્સી સારવાર માટેની સેવા ઉપલબ્ધ નથી આ સુવિધાઓના અભાવે આ વિસ્તારમાં રહેતા લોકો નારાજગી વ્યક્ત કરી સુવિધા ની રાહ જોઈ રહ્યા છે.

  હાલમાં સ્થાનિક વિસ્તારોના ઝરવાણીથી માથાસર કણજી વાંદરી ડુમખલ જેવા ગામોમાં નદીનો પ્રવાહ વધારે હોવાના કારણે ચોમાસા દરમિયાન સ્થાનિક વિસ્તારના લોકોની અવર જવર બંધ થઈ જતા ગંભીર સમસ્યાઓ સર્જાય છે કેવડિયાથી સીધા ઝરવાણી માથાસર ડુમખલ કણજીથી મહારાષ્ટ્ર જતો કાચો રસ્તો ચાલુ છે પરંતુ ચોમાસા દરમિયાન આ રસ્તા બંધ થઈ જાય છે જેથી રસ્તા પાકો અને મોટો બને અને નદી પર અવર જવર માટે પુલને મંજૂરી મળે તો સ્થાનિક લોકોને જીલ્લાના વડા મથક પર અવર જવર સહેલી થઈ શકે તેવી માંગ કરી છે.

(4:59 pm IST)