Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

દસ્તાવેજ નોંધણી માટે હવે બીજી માર્ચથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ

અરજદારોને કચેરીના ધક્કામાંથી મુકિતઃ ટોકનની કડાકૂટમાંથી છૂટકારો મળશે

અમદાવાદ તા. ર૬: હવે પ્રોપર્ટીનો દસ્તાવેજ બનાવવા માટેની તારીખ અને સમય લેવા માટે અરજદારને રજિસ્ટ્રાર ઓફિસે ધકકા નહીં ખાવા પડે. રાજય સરકાર દ્વારા દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન ટોકન સેવા ર જી માર્ચથી શરૂ થઇ રહી છે.

જેના થકી અરજદાર દસ્તાવેજ બનાવવા માટેનો સમય અને તારીખ ઓનલાઇન મેળવી શકશે. આ સિસ્ટમથી મેન્યુઅલ ટોકન લેવાના ધક્કામાંથી મુકિત મળશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શેડયુલનો અમલ પાઇલટ પ્રોજેકટ તરીકે રાજયની આઠ સબરજિસ્ટ્રાર કચેરીઓમાં થોડા સમય પહેલાં શરૂ કરાયો છે, જેમાં અમદાવાદની મેમનગર સબ રજિસ્ટ્રાર ઓફિસનો સમાવેશ થાય છે. હવે ર માર્ચથી ફરજિયાત તેનો અમલ શરૂ થઇ રહ્યો છે. જેના કારણે અરજદારોનો સમય બચશે અને ટોકનની કચકચમાંથી છુટકારો મળશે.

અત્યારની પદ્ધતિ મુજબ પક્ષકારોએ પોતાના દસ્તાવેજની નોંધણી કરાવવા માટે સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ આવી સંપૂર્ણ વિગતો સાથેનો દસ્તાવેજ રજૂ કરવાનો રહે છે, જે ધ્યાને લઇ તેઓને ટોકન નંબર આપવામાં આવે છે. જેમાં પક્ષકારે પોતાનો ક્રમ આવવા સુધી પ્રતીક્ષા કરવાની રહે છે. રાજય સરકારે તાજેતરમાં ઓનલાઇન ટોકન પ્રથા પણ અમલમાં મૂકી છે. જે અંતર્ગત પક્ષકારો પોતાના દસ્તાવેજની નોંધણી માટે મહેસૂલ વિભાગન 'ગરવી' વેબસાઇટ https://garvi.gujarat.gov.in પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શિડયુલર મેનુ મારફતે તેઓનો જિલ્લો, સબરજિસ્ટ્રાર કચેરી, અવેજની રકમ, નામ, સરનામું, મોબાઇલ નંબર, ઇ-મેઇલ આઇ.ડી. તથા દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો જેવી વિગતો ભરી દસ્તાવેજ નોંધણી માટે પોતાની અનુકુળતા મુજબનો સમય મેળવી શકશે. જરૂરી સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફી નું ઓનલાઇન ચુકવણું કર્યા બાદ પોતાના દસ્તાવેજની નોંધણી માટે તારીખ અને સમય ઓનલાઇન મેળવી શકે છે. જેમાં પક્ષકારોએ મેળવેલ સમયે દસ્તાવેજ સાથે કચેરીમાં હાજર થવાનું રહે છે. જો કે થોડા સમય માટે હજુ દસ્તાવેજની નોંધણી માટે ઓફલાઇન અને ઓનલાઇન બંને પ્રક્રિયા રાજયમાં કાર્યરત રહેશે. (

(3:55 pm IST)