Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ : ગાંધીનગર શહેર-જિલ્લાના ચાર લાખથી વધુ બાળકોને કૃમિનાશક ટેબલેટ અપાશે

૧ થી ૧૯ વર્ષનાને આવરી લેવાશે : આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપરાંત અન્ય સંસ્થાઓ મળી કુલ બે હજાર જેટલી સંસ્થાઓમાં ખાસ કાર્યક્રમ ગોઠવાશે

ગાંધીનગર : રાષ્ટ્રીય કૃમિ મુક્તિ દિવસ અંતર્ગત ગાંધીનગર શહેર અને જિલ્લાના ૧ થી ૧૯ વર્ષના કુલ ચાર લાખથી પણ વધુ બાળકોને કૃમિનાશક ટેબલેટ આપવામાં આવશે. આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ ઉપરાંત અન્ય સંસ્થાઓ મળી કુલ બે હજાર જેટલી સંસ્થાઓમાં ખાસ કાર્યક્રમ ગોઠવાશે. આ ઉપરાંત શાળાએ નહીં જતા બાળકોને પણ દવા ખવડાવવા માટે ખાસ એક્શન પ્લાન ઘડવામાં આવ્યો છે. નેશનલ ડી-વોર્મિંગ ડે અંતર્ગત આગામી તા. ૨૭મી ફેબુ્આરીના રોજના કાર્યક્રમમાં રાષ્ટ્રના ૧ થી ૧૯ વર્ષના તમામ બાળકોને કૃમિથી મુક્તિ અપાવવા વર્ષમાં ઓગસ્ટ અને ફેબુ્આરી એમ બે વખત કૃમિનાશક આલ્બેન્ડાઝોલ નામની ટેબલેટ આપવામાં આવે છે.

 ચાલુ વર્ષમાં ૨૭મી ફેબુ્આરીના રોજ વર્ષના બીજા રાઉન્ડની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર શહેર ઉપરાંત જિલ્લાની આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળા તેમજ અન્ય સંસ્થા મળીને કુલ બેહજાર જેટલી સંસ્થાઓના ચાર લાખથી પણ વધુ બાળકોને કૃમિનાશક ગોળીથી આવરી લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

  આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુરુવારે જિલ્લાની તામામ આંગણવાડી અને શાળાઓમાં વિદ્યાર્થીઓને કૃમિ વિરોધી દવા ખવડાવવામાં આવશે. આ દવા ખાવાથી બાળકોમાં ઉભા થતા કૃમિનો નાશ થાય છે અને બાળકનો યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ થઇ શકે છે.

  જિલ્લાના દેહગામમાં ૭૧ હજાર, માણશામાં ૪૭ હજાર જ્યારે ગાંધીનગર તાલુકામાં એક લાખથી વધુ તથા કલોલમાં ૮૫ હજાર જેટલા બાળકોને આ દવા ખવડાવવામાં આવશે. શાળાએ નહીં જતા જિલ્લાના બે હજાર જેટલા બાળકોને પણ ચાવવાની આ કૃમિ વિરોધી દવા ખવડાવવામાં આવશે. ગાંધીનગર શહેરી વિસ્તારમાં ૨૨૫ જેટલી શૈક્ષણિક સંસ્થાના ૪૫ હજાર જેટલા બાળકોને પણ આ દવા આપવામાં આવશે તેમ કોર્પોરેશનના મેડિકલ ઓફિસરે જણાવ્યું હતું.

(1:18 pm IST)