Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રાજ્યનાં બજેટમાં માત્ર ભાષણનો ભંડાર ન હોય પરંતુ વાસ્તવિકતાનો સ્વીકાર હોય તેવી અપેક્ષા : કૉંગ્રેસ

સરકાર મહોત્સવો, ઉત્સવો અને તાયફાઓ પાછળ પૈસા ખર્ચવાનું બંધ કરે,

ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વર્ષ 2020-21નું બજેટ રજૂ થશે. નાણામંત્રી નીતિન પટેલ  સતત આઠમીવાર બપોરે 1.15 કલાકે વિધાનસભામાં બજેટ રજૂ કરશે. ત્યારે વિપક્ષનાં નેતાઓએ ભાજપની સરકારને આડે હાથ લઇને પ્રજા માટે અને સકારાત્મક બજેટ આપવાની અપિલ કરી છે.
  વિપક્ષ પ્રદેશ અધ્યક્ષ, અમિત ચાવડાએ આજના બજેટ પહેલા જણાવ્યું કે, 'ગુજરાતની સરકાર મહોત્સવો, ઉત્સવો અને તાયફાઓ પાછળ પૈસા ખર્ચવાનું બંધ કરે, સરકાર કરકસર કરે અને ગુજરાતની પ્રજાનાં માથા પર દેવું ન વધારે. સાથે સાથે ખેડૂતોનાં દેવા માફ થાય, દિવસે વીજળી મળે, દેવું નથી ચૂકવાતુ તો તેના માટે પણ ગંભીર બને. મોંઘવારી કૂદકે અને ભૂદકે વધી રહી છે. તો સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પરનો કર ઓછો કરે.

  વર્ષ 2012માં ગુજરાતમાં તમામને પાકુ મકાન મળશે તેવી રીતે સર્વે કરાયો હતો, ફોટા પડાયા હતાં. આજેપણ ગરીબોનાં માથા પર પાકુ મકાન નથી તો તેના માટે અપેક્ષા છે. રાજ્યમાં શિક્ષણ સારૂં, સસ્તુ અને ગુણવત્તાયુક્ત બને તથા કથળેલી આરોગ્ય સેવાઓ સારી બને. બેરોજગાર યુવાનોને રોજગારીની તક મળે.
  ટ્રમ્પનાં આવકાર પાછળ થયેલા ખર્ચ અંગે તેમણે કહ્યું કે, 'પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં વપરાય છે તેનો હિસાબ જવાબ આપો. હાલમાં જ ટ્રમ્પ આવ્યાં તો 100 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો. આ રકમ ક્યાંથી આવી અને કોના માધ્યમથી ખર્ચ થઇ અને ક્યાં ખર્ચ થઇ તેનો આજદિન સુધી ક્યાંય જવાબ નથી મળતો. તે જ રીતે સરકાર આજે સ્પષ્ટ કરે કે નાણાં ક્યાંથી આવે છે અને ક્યાં વપરાય છે.'

(12:31 pm IST)