Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

પોલીસ અને પબ્લીક વચ્ચે સંઘર્ષઃ ૧રમો ચંદ્રમાં પરાકાષ્ટાએ

દિલ્હીનો ચેપ ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી ન પહોંચે તે માટે ગુપ્તચર તંત્રના અહેવાલના પગલે-પગલે રાજય સરકાર દ્વારા રણનીતિ ઘડી કઢાઇ : અમદાવાદ-વડોદરા-ખંભાત અને રાજકોટની ભાગોળે લોકો અને પોલીસ તંત્ર વચ્ચેની ધબધબાટીથી ગૃહ મંતાલય ચોંકી ઉઠયું : ખંભાતમાં બબ્બે આઇજી-એસપીઓને દોડાવવા સાથે તાકીદે બદલીઓઃ અશાંત ધારાનો અમલઃ રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ પોલીસની બેદરકારી માટે કરેલી તપાસની જાહેરાતઃ ટ્રબલ શુટર આઇપીએસ એવા એટીએસના ડીઆઇજી હિમાંશુ શુકલના ધામા આ બધાનો સરવાળો કોમી તોફાનો કોઇ પણ રીતે ઉગતા ડાંભી દેવાનો તંત્રનો મક્કમ નિર્ધારના એંધાણ છે

રાજકોટ, તા., ૨૬: આણંદ પંથકના ખંભાતમાં તાજેતરમાં ક્રિકેટ રમવા જેવી બાબત તથા જાનની બસ દ્વારા ફોટા પાડવા જેવી સામાન્ય ઘટનામાં ભડકો થયા બાદ  તે સંદર્ભે હિન્દુ સંગઠનો દ્વારા નિકળેલી રેલી  દરમિયાન તોફાની તત્વોએ પોલીસ પર કરેલા હુમલાઓ અને ટુ વ્હીલર-ફોર વ્હીલર અને મકાનોમાં આગ ચાંપવાની ઘટનાને  મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહમંત્રી  પ્રદીપસિંહ જાડેજાએ ગંભીરતાથી લઇ ર આઇજી, ર એસપીઓ તથા રેન્જમાંથી પોલીસ સ્ટાફ ખડકી સંતોષ માનવાને બદલે પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાને સ્થળ પર મોકલવા સાથે એટીએસના ટ્રબલ શુટર આઇપીએસ  હિમાંશુ શુકલાને પણ ખાસ ટીમ સાથે રવાના કરવાનો સીધો અર્થ એ છે કે દિલ્હી માફક ગુજરાતમાં પણ કોમી તોફાનો ફાટી ન નિકળે અને તેને ઉગતા જ ડાંભી દેવાની રણનીતિ છે.

રાજય સરકારે રજા પર રહેલા એસપી મકરંદ ચૌહાણે તથા ડીવાયએસપી અને પોલીસ ઇન્સ્પેકટરોને તાત્કાલીક બદલી નાખી તેમના સ્થાને અમદાવાદ ટ્રાફીક ડીસીપી અજીત રાયજણ તથા એસીબીના ડીવાયએસપી ભારતીબેન પંડયાને ઇન્ચાર્જ તરીકે હવાલો સુપ્રત કરી રાજય સરકાર કોઇ જાતનું જોખમ લેવા માંગતુ નથી તે સાબીત કર્યુ.

અમદાવાદમાં તથા વડોદરામાં સીએએના કાયદા વિરૂધ્ધમાં થોડો સમય અગાઉ જે રીતે તોફાનો ફાટી નિકળ્યા હતા  અને તે સમયે બંન્ને શહેેરના પોલીસ કમિશ્નરોએ  તોફાનો કડકાઇથી ડાંભી દીધેલા પરંતુ એ સમયે પોલીસ પર પથ્થરમારો કરવાની જે ટેવ પડી અને એ ટેવમાં સુધારો થયો ન હોય તેમ અમદાવાદમાં નાના ચીલોડા રીંગ રોડ ઉપર પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું છે. આ ઘટનામાં પણ એક ડઝનથી વધુ પોલીસ વાહનો સાથે મામલો શાંત પાડવામાં આવેલ. સ્થાનીક લોકોનો આરોપ એવો છે કે છેલ્લા ઘણા સમયથી  કેટલીક ચોક્કસ મહિલાઓને ઉભી રાખી પોલીસ પૈસા પડાવે છે. આ પૈકીની અમુક મહિલાઓ પર તે ધંધો કરતી હોવાના પણ સાચા ખોટા આરોપો બાદ મામલો વિફરતા નરોડા પોલીસ મથકના પીઆઇ એચ.બી. વાઘેલાએ લોકોના ટોળા ઉપર લાઠીચાર્જ કરતા લોકોનું ટોળુ ઉશ્કેરાઇ  પોલીસ પર હુમલો કરવા લાગેલ.

રાજયના પોલીસ વડા શિવાનંદ ઝાએ  ખંભાતમાં પરિસ્થતિ જે રીતે વણસી તે માટે  પોલીસ અધિકારીઓને સ્ટાફની શરૂઆતમાં બેદરકારી અને નિષ્કાળજી હોવાનો અંશતઃ સ્વિકાર કર્યો હતો. તેઓએ ખાતાકીય તપાસ બાદ પગલા લેવાની પણ જાહેરાત કરી છે.

અત્રે યાદ રહે કે દેશના પાટનગરથી પોલીસ અને પબ્લીક વચ્ચે થયેલ સંઘર્ષ હવે ગુજરાતના પાટનગર ગાંધીનગર સુધી સ્પર્શી ન જાય તે માટે આજથી શરૂ થયેલ બજેટ સત્ર દરમિયાન પોલીસનો ખડકલો થયો છે. પરંતુ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થવાની પુરી સંભાવના જાણકારો નિહાળે છે.

પોલીસ અને પબ્લીક વચ્ચે જાણે બારમો ચંદ્રમાં પરાકાષ્ટે હોય તેમ દિલ્હી અને ગાંધીનગર સહિત ગુજરાતના સીમાડા વટાવી રાજકોટ જીલ્લા સુધી પહોંચ્યો છે. રાજકોટ માર્કેટ યાર્ડમાં પોલીસ અને લોકો વચ્ચે થયેલ ઘર્ષણની આગને કારણે હજુ ૯માં દિવસે પણ અજંપો યથાવત છે. સતાધીશો અને વેપારીઓ અને દલાલો સામ-સામા થઇ ગયા છે. પોલીસ કેસો પરત ખેંચવાની માંગ ચાલી રહી છે. ટુંકમાં કહીએ તો દિલ્હીથી લઇ ગુજરાતના પાટનગર અને સૌરાષ્ટ્રના એક સમયના પાટનગર રાજકોટ સુધી પબ્લીક અને પોલીસ વચ્ચે બારમો ચંદ્રમાં હોય તે રીતે ઘર્ષણ થયા જ કરે છે. ગુપ્તચર વિભાગ પણ મૂળ સધી પહોંચવા સતત કાર્યરત છે.

(12:15 pm IST)